- ઈંગ્લેન્ડની ટીમ 21 ઓગસ્ટથી શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ રમશે
- આ સિરીઝ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે
- ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે
ઈંગ્લેન્ડની ટીમ 21 ઓગસ્ટથી શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ રમશે. શ્રીલંકાની ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચોમાં યજમાન ટીમનો સામનો કરશે. આ સિરીઝ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ આ સિરીઝ સાથે ઈંગ્લેન્ડની સમર સીઝનમાંથી બહાર થઈ ગયો છે. ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં નોર્ધન સુપરચાર્જર્સ તરફથી રમતી વખતે તેને ઈજા થઈ હતી. માન્ચેસ્ટર ઓરિજિનલ્સ સામે બેટિંગ કરતી વખતે તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. જેના કારણે તે શ્રીલંકા સામેની મહત્વની સિરીઝ ચૂકી જશે.
ઓલી પોપને સોંપાઈ ટીમની કમાન
આ સાથે ઈંગ્લેન્ડે ટીમમાં મોટો ફેરફાર કરીને ઓલી પોપને કેપ્ટન બનાવ્યો છે. ઓલી પોપ ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ કરનાર 82મા ખેલાડી હશે. ઓલી પોપ ઈંગ્લેન્ડના વાઈસ કેપ્ટન છે અને હવે તે મોટી જવાબદારી નિભાવવા માટે તૈયાર છે. પોપે આ પહેલા માત્ર એક જ ફર્સ્ટ ક્લાસ મેચમાં કેપ્ટનશિપ કરી છે. તેણે સપ્ટેમ્બર 2021માં ગ્લેમોર્ગન સામે સરે ટીમનું નેતૃત્વ કર્યું હતું. પોપને ગયા વર્ષે સ્ટોક્સના ડેપ્યુટી બનાવવામાં આવ્યા હતા.
બેન સ્ટોક્સ કેવી રીતે થયો ઈજાગ્રસ્ત?
બેન સ્ટોક્સ પીછો કરતી વખતે રન લેતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. રન પૂરો કરતા પહેલા જ તે હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. તે જમીન પર પડી ગયો અને દર્દથી રડતો જોવા મળ્યો હતો. ઈગ્લેન્ડ ક્રિકેટ બોર્ડએ એક નિવેદનમાં કહ્યું છે કે બેન સ્ટોક્સ ઓક્ટોબરની શરૂઆતમાં શરૂ થઈ રહેલા પાકિસ્તાનના ત્રણ ટેસ્ટ મેચના પ્રવાસ માટે ફિટ થવાનું લક્ષ્ય ધરાવે છે.
શ્રીલંકા સામેની સિરીઝનું શેડ્યૂલ
21 ઓગસ્ટથી ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થશે. પ્રથમ ટેસ્ટ ઓલ્ડ ટ્રેફોર્ડમાં 25 ઓગસ્ટ સુધી રમાશે. જ્યારે બીજી ટેસ્ટ 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી લોર્ડ્સમાં રમાશે. જ્યારે ત્રીજી ટેસ્ટ 6 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી ઓવલમાં રમાશે.