• રિષભ પંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે
  • પંતે બાંગ્લાદેશ સામેની વોર્મ-અપ મેચમાં બેટિંગ કરી
  • પંતના ફેન્સે અનોખી રીતે વાપસીની કરી ઉજવણી

સ્ટાર બેટ્સમેન અને 'ચેમ્પિયન' તરીકે પ્રખ્યાત રિષભ પંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. પંતે લગભગ 18 મહિના બાદ વાપસી કરી છે. તે T-20 વર્લ્ડકપ અંતર્ગત બાંગ્લાદેશ સામે રમાયેલી વોર્મ-અપ મેચમાં બેટિંગ કરવા આવ્યો હતો. ત્રીજા નંબર પર બેટિંગ કરતા પંતે 32 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા અને 165.52ના સ્ટ્રાઈક રેટથી 53 રન બનાવ્યા. વર્લ્ડકપની મુખ્ય મેચો પહેલા પંતની વિસ્ફોટક બેટિંગે તેના ચાહકોને હેરાન કરી દીધા છે. ચાહકોએ ઉમદા કાર્યો કરીને પંતની વાપસીની ઉજવણી કરી હતી. આ જાણીને તમે પણ તેને સલામ કરશો.

અનાથાશ્રમના બાળકોને કીટનું વિતરણ કર્યું

રિષભ પંતના કેરળમાં પણ હજારો ચાહકો છે. તેમાંથી કેટલાક ચાહકોએ કોલ્લમના એક અનાથાશ્રમમાં બાળકોને સ્કૂલ બેગ, સ્ટેશનરી કીટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત સ્ટાર પ્લેયરની વાપસીની ઉજવણી તેની સાથે કેક કાપીને કરી હતી. આ કેક પર રિષભ પંત માટે ખાસ મેસેજ લખવામાં આવ્યો હતો. આ રીતે ચાહકોએ 18 મહિનાના લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પંતની વાપસીની ઉજવણી કરીને લોકોને ખુશ કર્યા.


ડિસેમ્બર 2022માં થયો હતો અકસ્માત

તમને જણાવી દઈએ કે રિષભ પંતનો ડિસેમ્બર 2022માં અકસ્માત થયો હતો. તે તેની માતાને મળવા ઘરે જઈ રહ્યો હતો. આ અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયા બાદ પંત લગભગ 1.5 વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યો. તે માર્ચ 2024માં IPLમાં પાછો ફર્યો હતો. જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દ્વારા તેને T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી. હવે તે ટીમના મુખ્ય વિકેટકીપરની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.


મારી અંદર એક અલગ ઊર્જા

હાલમાં જ પંતે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાની જર્સી પહેર્યા બાદ મારી અંદર એક અલગ ઉર્જાનો અનુભવ થયો છે. હું રોમાંચિત છું. આ એક અલગ પ્રકારનો અનુભવ છે. પંતે કહ્યું કે એવું લાગે છે કે જાણે હું ફરીથી ડેબ્યૂ કરી રહ્યો છું. હું ફ્રેશ થઈને આવું છું. જીવનમાં વિચારવાનો દૃષ્ટિકોણ પણ ઘણો બદલાઈ ગયો છે. હવે હું તે સમયની રાહ જોઈ રહ્યો છું જ્યારે હું ફરીથી ટીમ ઈન્ડિયા માટે રમીશ.

  • Follow us on: