• IPLની 25મી મેચ મુંબઈ અને RCB વચ્ચે રમાઈ હતી
  • આ મેચમાં અમ્પાયરના નિર્ણયો પર સવાલો ઉઠી રહ્યા છે
  • મુંબઈને ટોસ જીતડવા માટે ચિટીંગ કર્યાનો લાગ્યો આરોપ

IPL 2024ની 25મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ ઘણા વિવાદોમાં ઘેરાઈ રહી છે. આ મેચ 2 દિવસ પહેલા જ રમાઈ હતી, પરંતુ તેને લઈને વિવાદ હજુ પણ ચાલુ છે. આ મેચમાં અગાઉ અમ્પાયરના વારંવારના ખોટા નિર્ણયો પર સવાલો ઉઠી રહ્યા હતા. મેચમાં ઓન-ફીલ્ડ અમ્પાયર નીતિન મેનને RCB સામે એક કે બે વાર નહીં, પરંતુ કુલ 4 વખત ખોટા નિર્ણયો આપ્યા હતા. આ અંગે અમ્પાયર પર પ્રતિબંધ મુકવાની પણ માંગ કરવામાં આવી છે. હવે નવો વિવાદ શરૂ થયો છે. ટોસ દરમિયાન સ્થળ પર તૈનાત મેચ રેફરી પર સિક્કો પલટાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. રેફરી પર મુંબઈને ટોસ જીતવા માટે ચિટીંગ કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો

RCB અને MI વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની હતી. પોઈન્ટ ટેબલમાં બંનેની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, તેથી તેઓ આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા ઈચ્છતા હતા. મેચ પહેલા જ્યારે હાર્દિક પંડ્યા અને ફાફ ડુ પ્લેસિસ ટોસ માટે પહોંચ્યા ત્યારે હાર્દિકે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગલુરુ આ મેચ સરળતાથી હારી ગયું હતું. હવે મેચ બાદ ટોસને લઈને મોટો હોબાળો થયો છે. ટોસ દરમિયાન મેચ રેફરી જવાગલ શ્રીનાથ સ્થળ પર હતા. ટોસ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

RCBના ફેન્સે લગાવ્યા ગંભીર આરોપ

આ વાયરલ વીડિયોના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જવાગલ શ્રીનાથે સિક્કો ઉછાળ્યો હતો. આ ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે, પરંતુ તસવીર ઝાંખી હોવાને કારણે સ્પષ્ટ કહી શકાય નહીં કે સિક્કો પલટી ગયો છે કે નહીં. પરંતુ આ વાયરલ વિડીયો જોયા બાદ ચોક્કસ સવાલો ઉઠવા લાગ્યા છે. સોશિયલ મીડિયાના ચાહકો આ વીડિયોના આધારે દાવો કરી રહ્યા છે કે મુંબઈ ઈન્ડિયન્સે RCB સાથે એક નહીં પરંતુ ઘણી વખત છેતરપિંડી કરી છે. ફેન્સ માને છે કે RCBએ ટોસ જીત્યો હતો, પરંતુ રેફરીએ સિક્કો પલટીને હાર્દિક પંડ્યાને ટોસનો વિજેતા જાહેર કર્યો હતો. આ અંગે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. RCB ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. સંદેશ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

  • Follow us on: