• ફ્રાંસ સતત બીજું ટાઈટલ જીતવાથી બે પગલાં દૂર
  • ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાંસે ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું
  • સેમી ફાઈનલમાં ફ્રાંસનો સામનો મોરોક્કો સામે થશે

ફ્રાંસે ચોથા ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યું. હવે સેમીફાઇનલમાં ફ્રાંસનો સામનો મોરોક્કો સામે થશે. મોરોક્કોની ટીમ પોર્ટુગલને હરાવીને અંતિમ-4માં પહોંચી ગઈ છે.

સેમીફાઇનલમાં મોરોક્કો સામે ટક્કર

કતારમાં આયોજિત ફિફા વર્લ્ડ કપ 2022માં શનિવારે મોડી રાત્રે ચોથી ક્વાર્ટર ફાઈનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાંસ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ફ્રાંસે ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. હવે સેમીફાઇનલમાં તેનો સામનો મોરોક્કો સામે થશે. મોરોક્કોએ પોર્ટુગલને 1-0થી હરાવીને ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ આફ્રિકન અને આરબ દેશ બન્યો હતો. પ્રથમ સેમીફાઇનલ મેચ ક્રોએશિયા અને આર્જેન્ટિના વચ્ચે રમાશે.

ફ્રાંસે ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું

પ્રથમ 17મી મિનિટે ઓર્લિયન ચુમેનીએ બોક્સની બહારથી ગોલ કરીને ફ્રેન્ચ ટીમને લીડ અપાવી હતી. ફ્રાંસ પ્રથમ હાફ સુધી 1-0થી આગળ હતું. બીજા હાફની શરૂઆત થતાં જ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને પેનલ્ટી મારફત ગોલ સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. 78મી મિનિટમાં ફ્રાંસના ઓલિવિયર ગિરાઉડે એન્ટોનિયો ગ્રીઝમેનના શાનદાર પાસથી હેડર ફટકારીને પોતાની ટીમને ફરી એકવાર લીડ અપાવી હતી. ગ્રીઝમેને પણ ચુઆમેનીને પહેલો ગોલ કરવામાં મદદ કરી હતી. મેચની 82મી મિનિટે ઈંગ્લેન્ડની ટીમને પેનલ્ટી મળી હતી. જો કે, હેરી કેન તે ચૂકી ગયો હતો.

મોરોક્કો સેમીફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ આફ્રિકન દેશ

કતારમાં અંતિમ આઠમાં પહોંચનારી યુરોપ કે દક્ષિણ અમેરિકાની બહારની એકમાત્ર ટીમ મોરોક્કો ફૂટબોલના મહાવર્લ્ડ કપની સેમીફાઇનલ માટે ક્વોલિફાય કરનારો પ્રથમ આફ્રિકન દેશ છે. અગાઉ, કેમરૂને 1990માં, સેનેગલ 2002માં અને ઘાનાએ 2010માં અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ ત્રણમાંથી એક પણ ટીમ સેમીફાઇનલમાં પહોંચી શકી નહોતી. ટીમે તેમના અભિયાન દરમિયાન અત્યાર સુધી માત્ર એક ગોલ કરવા દિધો છે અને તે પણ કેનેડા સામે પોતાના જ ગોલથી. પોર્ટુગલ સામેની ક્વાર્ટર ફાઇનલમાં પણ ટીમનો ડીફેન્સ મજબુત રહ્યો હતો, જેનું નેતૃત્વ ગોલકીપર યાસીન બોન્યુએ કર્યું હતું.

રોનાલ્ડોનું વર્લ્ડ કપ જીતનું સપનું અધૂરું રહ્યું

પોર્ટુગલની આ હાર બાદ એ વાત લગભગ નિશ્ચિત છે કે પાંચ વર્લ્ડ કપમાં ગોલ કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ક્યારેય વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડી શકશે નહીં. 37 વર્ષીય ખેલાડીનો સંભવતઃ છેલ્લો વર્લ્ડ કપ હતો. પોર્ટુગલના કોચ ફર્નાન્ડો સાન્તોસે ફરી એકવાર પાંચ વખતના 'વર્લ્ડ ફૂટબોલર ઓફ ધ યર' રોનાલ્ડોની જગ્યાએ 21 વર્ષીય ગોન્ઝાલો રામોસને પ્રારંભિક XIમાં સામેલ કર્યો હતો, જેણે સ્વિટ્ઝર્લેન્ડ સામે ત્રણ ગોલ કર્યા હતા.

  • Follow us on: