• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાવા જઇ રહી છે
  • કેએલ રાહુલ અનફિટ હોવાના કારણે ચોથી ટેસ્ટમાંથી થયો બહાર
  • બેટિંગ કોચ વિક્રમ રાઠોરે કહ્યું કે કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ નથી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાવા જઇ રહી છે. આ મેચમાં આશા હતી કે કેએલ રાહુલ ફરી એકવાર ટીમમાં વાપસી કરી શકે છે. BCCIએ એક પ્રેસ રીલીઝ જારી કરીને કહ્યું હતું કે તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. જેના કારણે તે ચોથી ટેસ્ટમાંથી પણ બહાર છે. જો કે, BCCIએ પ્રેસ રિલીઝમાં એમ પણ કહ્યું હતું કે કેએલ રાહુલ ધર્મશાલા ટેસ્ટમાં વાપસી કરી શકે છે, પરંતુ તેના માટે તેણે સંપૂર્ણ રીતે ફિટ રહેવું પડશે. હવે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે આ અંગે એક નવું અપડેટ આપ્યું છે.

હું ટકાવારીમાં માનતો નથી - વિક્રમ રાઠોડ

વિક્રમ રાઠોડને કેએલ રાહુલની ફિટનેસ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે કેએલ રાહુલ અત્યારે સંપૂર્ણ રીતે ફિટ નથી. હું ફિટનેસ ટકાવારી જાણતો નથી. હું માત્ર એટલું જ જાણું છું કે ખેલાડી સંપૂર્ણપણે ફિટ છે કે અનફિટ છે, આ સિવાય બીજું કોઈ ત્રીજું કારણ નથી અને જો તે સંપૂર્ણ રીતે ફિટ નથી તો તેનો અર્થ છે કે તે અનફિટ છે. જો કે, તેણે એમ પણ કહ્યું છે કે BCCIની મેડિકલ ટીમ તેના પર ધ્યાન આપી રહી છે અને તે કેએલની સ્થિતિ મારા કરતા સારી રીતે જાણે છે.


હૈદરાબાદ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો કેએલ રાહુલ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ હૈદરાબાદ ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેની જાંઘના સ્નાયુઓ તણાઈ ગયા હતા. જેના કારણે તેને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું હતું. વિશાખાપટ્ટનમ ટેસ્ટ બાદ એવા અહેવાલો આવ્યા હતા કે તે રાજકોટ ટેસ્ટમાં વાપસી કરી શકે છે, પરંતુ ત્યાં સુધી તે સંપૂર્ણ રીતે ફિટ નહોતો. જોકે કેએલ રાહુલ પાછળથી રાંચી ટેસ્ટમાં વાપસી કરશે તેવી અપેક્ષા હતી, પરંતુ ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા જ તેને ઈજાના કારણે ફરી એકવાર બહાર થવું પડ્યું હતું. જો કે, BCCIએ પ્રેસ રિલીઝમાં એમ પણ કહ્યું હતું કે જો કેએલ રાહુલ પાંચમી ટેસ્ટ પહેલા ફિટ થઈ જશે તો તે રમતા જોઈ શકાશે.

ભારત સીરિઝમાં આગળ

હૈદરાબાદ ટેસ્ટમાં 28 રને હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ બાકીની બે મેચોમાં શાનદાર વાપસી કરી હતી. હવે સુકાની રોહિત શર્મા રાંચી ટેસ્ટ જીતીને સીરિઝમાં 3-1થી અજેય લીડ લેવાનું લક્ષ્ય રાખશે. આ સાથે જ ઈંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સની નજર પણ રાંચી ટેસ્ટમાં જીત મેળવી સિરીઝ બરાબરી કરવા પર હશે. તમને જણાવી દઈએ કે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઈંગ્લેન્ડની ટીમ 8મા સ્થાને છે.

  • Follow us on: