- T20 વર્લ્ડકપ બાદ હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત
- રાહુલ દ્રવિડના તેમના કોચિંગ કાર્યકાળ અંગે આપ્યું નિવેદન
- ખરાબ સમય કોહલીની કેપ્ટનસી છોડ્યા બાદ ટીમ પરિવર્તનનો હતો
ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડકપ 2024નું ટાઈટલ જીતાડનાર ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટૂર્નામેન્ટ બાદ સમાપ્ત થઈ ગયો હતો. રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયા ત્રણ વખત આઈસીસી ટ્રોફીની ફાઈનલમાં પહોંચી હતી. જેમાંથી ટીમ ઈન્ડિયાને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને એકમાં જીત મળી હતી. ODI વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું કે તેમના કાર્યકાળનો સૌથી ખરાબ તબક્કો કયો હતો.
રાહુલ દ્રવિડે ખુલાસો કર્યો હતો
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું માનવું છે કે હેડ કોચ તરીકેનો તેમનો સૌથી ખરાબ સમય વિરાટ કોહલીની કેપ્ટનસી છોડ્યા બાદ ટીમ પરિવર્તનનો હતો. હકીકતમાં, જ્યારે ટીમ ઈન્ડિયા વર્ષ 2021માં T20 વર્લ્ડકપ હારી ગઈ હતી, ત્યારે રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાનો નવા હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. તે દરમિયાન ટીમ ઈન્ડિયા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી હતી. કારણ કે વિરાટ કોહલીએ T20 વર્લ્ડકપ 2021 બાદ કેપ્ટન્સી છોડી દીધી હતી. આ સિવાય BCCI દ્વારા કોહલીને ODI ટીમના કેપ્ટન પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યો હતો.
એક ઈન્ટરવ્યૂમાં તેમના કોચિંગ કરિયરને લઈને પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે જો તમે મને પૂછો કે મારી સૌથી ખરાબ ક્ષણ કઈ હતી, તો હું કહીશ કે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ દરમિયાન મારી કારકિર્દીની શરૂઆતમાં આવું થયું હતું. આ સમય દરમિયાન અમે સાઉથ આફ્રિકામાં સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી અને ત્યારબાદ અમે બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ રમી રહ્યા હતા. જેમ તમે જાણો છો કે અમે સાઉથ આફ્રિકામાં ક્યારેય કોઈ સિરીઝ જીતી શક્યા નથી. તે સિરીઝ જીતવી એ ખરેખર અમારા માટે મોટી તક હતી. અમારા કેટલાક સિનિયર ખેલાડીઓ ત્યાં ન હતા. રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો અને તે સિરીઝમાં અમારા કેટલાક સિનિયર ખેલાડીઓ હાજર ન હતા.
હાલમાં ગંભીર ભારતના હેડ કોચ
રાહુલ દ્રવિડ બાદ હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની કમાન ગૌતમ ગંભીરના હાથમાં છે. ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાનો પ્રવાસ કર્યો છે. જ્યાં ODI અને T20 સિરીઝ રમાઈ હતી. T20માં ભારત અને વનડેમાં શ્રીલંકાનો વિજય થયો હતો.