- રિતિકા હુડ્ડા પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહી હતી
- તેણીએ 76 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી
- ક્વાર્ટર ફાઇનલમાં કિર્ગિસ્તાનના કુસ્તીબાજ મેડેટકાઇજી સામે હાર
ભારતની 21 વર્ષની રેસલર રિતિકા હુડ્ડા પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહી હતી. તેણીએ 76 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ કિર્ગિસ્તાનના કુસ્તીબાજ મેડેટ કાઇજી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. રિતિકાએ ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર શરૂઆત કરી હતી. તે શરૂઆતથી જ પ્રભાવશાળી દેખાતી હતી. તેઓએ બીજી મિનિટમાં એક પોઈન્ટ મેળવી લીડ મેળવી લીધી હતી, પરંતુ મેડેટ કાઈજીએ થોડા જ સમયમાં એક પોઈન્ટ મેળવી લીડની બરાબરી કરી લીધી હતી. આખરે મેચ 1-1 થી સમાપ્ત થઈ અને કાઈજીને વિજેતા જાહેર કરવામાં આવી હતી. હવે સવાલ એ છે કે જો મેચ ટાઈ હતી તો રીતિકા હુડ્ડા કેવી રીતે હારી ગયા?
આ નિયમને કારણે રિતિકા હુડ્ડાની થઈ હાર
મેડેટ કાઈજીએ બીજા રાઉન્ડમાં પેસિવિટી પોઈન્ટ મેળવ્યો હતો. ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં, જ્યારે વિરોધી કુસ્તીબાજમાં આક્રમકતાનો અભાવ હોય અથવા નિષ્ક્રિય બની જાય ત્યારે કુસ્તીબાજને પેસિવિટી પોઇન્ટ આપવામાં આવે છે. આમાં, વિરોધી કુસ્તીબાજને રેફરી તરફથી મૌખિક ચેતવણી મળે છે. તેમ છતાં, જો તે આ જ વલણ અપનાવવાનું ચાલુ રાખે છે, તો સામેના કુસ્તીબાજ માટે 30 સેકન્ડની સ્કોરિંગ વિંડો જારી કરવામાં આવે છે. જેમાં તે સરળતાથી સ્કોર કરી શકે છે.
કાઈજીએ આ અંતર્ગત પેસિવિટી પોઈન્ટ હાંસલ કર્યો હતો. રિતિકાએ તેની રમત દરમિયાન ઘણા બચાવ કર્યા, પરંતુ કાઉન્ટબેકના નિયમને કારણે તે હારી ગઈ હતી. આ નિયમ અનુસાર, ટાઈના કિસ્સામાં, જે કુસ્તીબાજ છેલ્લો પોઇન્ટ જીતે છે તે મેચ જીતે છે. આથી, મેચ 1-1થી ટાઈ હોવા છતાં, રિતિકા મેચ હારી ગઈ હતી.
રિતિકા હુડ્ડાનું ભાગ્ય મેડેત કાઈજીના હાથમાં
હવે રિતિકાનું ભાગ્ય કુસ્તીબાજ મેડેટ કાઈજીના હાથમાં છે જેણે તેને હરાવી હતી. જો કાઈજી સેમી ફાઈનલ મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ કરે છે તો રિતિકાને બ્રોન્ઝ મેડલ જીતવાની તક મળી શકે છે. તે રિપેચેજ રાઉન્ડમાં જશે. જ્યાંથી જીતીને તે બ્રોન્ઝ મેડલ સુધી સફર કરી શકે છે. ઘણા ભારતીય કુસ્તીબાજોએ ઓલિમ્પિકમાં માત્ર રિપેચેજ દ્વારા બ્રોન્ઝ જીત્યો છે. જેમાં સુશીલ કુમાર, યોગેશ્વર દત્ત, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નામ સામેલ છે.