- તેંડુલકર, માઇકલ ફેલ્પ્સ, ટાઇગર વૂડ સહિતના દિગ્ગજોએ આપી શુભકામના
- બહેતરીન કેરિયરની ખૂબ ખૂબ શુભકામના સેરેના: સચિન
- કેરિયરમાં ચડાવ-ઉતાર જોયા છતાં હાર માની નહીં: સેરેના
ટેનિસ કોર્ટને અલવિદા કહેનારી અમેરિકાની દિગ્ગજ ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સને સચિન તેંડુલકરથી લઈને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા અને ઓલિમ્પિક ચેમ્પિયન તરવૈયા માઇકલ ફેલ્પ્સથી લઈને વિશ્વના નંબર એક ગોલ્ફર ટાઇગર વૂડ સુધીના વિશ્વના દિગ્ગજ લોકોએ તેની વધાઈ આપી છે.
સચિન તેંડુલકરે આપી શુભકામના
સચિન તેંડુલકરે લખ્યું છે કે વય એ નથી જે તમારું શરીર તમને જણાવે છે પણ એ ચીજ છે જે તમારું દિમાગ તમારા શરીરને બતાવે છે. નાની વયના લોકો વિશ્વની સૌથી મોટી પરેશાનીઓને દૂર કરી શકે છે તો વયસ્ક લોકો કોઈ નવી ચીજ અપનાવીને તેમા સારી કામગીરી કરી શકે છે. ખેલ એવી ચીજ છે જે સમાજને પોતાની સીમાથી વધુ આગળ વધવા માટે પ્રેરિત કરે છે અને તેમને અસંભવ ચીજને હાંસલ કરવાની પ્રેરણા આપે છે. એક બહેતરીન કેરિયરની ખૂબ ખૂબ શુભકામના સેરેના વિલિયમ્સ.

કોર્ટની અંદર-બહાર સેરેના મહાનતમ: ટાઇગર વૂડ
વિશ્વના નંબર એક ગોલ્ફર ટાઇગર વૂડે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કોર્ટની અંદર અને બહાર તું મહાનતમ છો. પોતાના સપના પૂર્ણ કરવા માટે અમને બધાને પ્રેરણા આપવા માટે ધન્યવાદ નાની બહેન. ઓબામાના પત્ની મિશેલ ઓબામાએ લખ્યું છે, શાનદાર કેરિયર પર વધાઈ. અમે કેટલા બધા ખુશનસીબ છીએ કે કોમ્પ્ટનની નાનકડી બાળાને મહાનતમ ખેલાડી બનતા જોઈ શક્યા છીએ. તારા પર ગર્વ છે. મહાન બાસ્કેટબોલ ખેલાડી જોન્સને ટ્વિટ કરી હતી કે સેરેના વિલિયમ્સને યુએસ ઓપનમા છેલ્લી વાર જોઈ. ટેનિસ માટે, દરેક છોકરી માટે અને ખાસ કરીને દરેક અશ્વેત છોકરીઓ માટે સેરેના ઘણી મોટી પ્રેરણા હતી. ઓલિમ્પિક ચેમ્પિયન તરવૈયો માઇકલ ફેલ્પ્સે લખ્યું છે કે સેરેનાએ ફક્ત ટેનિસનુ લેન્ડસ્કેપ જ નથી બદલ્યું પરંતુ આગામી પેઢીના સશક્તીકરણમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. તે ક્યારેય હાર નથી માનતી પછી તે કોર્ટની અંદર હોય કે બહાર.