- સમગ્ર IPL 2024 દેશમાં જ આયોજિત કરવામાં આવશે
- IPL 2024નો બીજો તબક્કો UAEમાં રમાશે તેવા અહેવાલ હતા
- IPL 2024નો બીજો તબક્કો પણ દેશમાં રમાશે
ભારતીય ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સમગ્ર IPL 2024 દેશમાં જ આયોજિત કરવામાં આવશે. અગાઉ એવા અહેવાલ હતા કે IPL 2024નો બીજો તબક્કો UAEમાં રમાશે, પરંતુ BCCI સેક્રેટરી જય શાહે આ તમામ અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે.
એક રિપોર્ટમાં BCCI સેક્રેટરી જય શાહને ટાંકીને પુષ્ટિ કરાઇ છે કે IPL 2024નો બીજો તબક્કો પણ દેશમાં રમાશે. વાસ્તવમાં દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને કારણે અત્યાર સુધીમાં IPL 2024ની 21 મેચોના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે.
IPL 2024 વિદેશમાં આયોજિત નહીં કરાય
રિપોર્ટ અનુસાર BCCI એ પુષ્ટિ કરી છે કે IPL 2024 વિદેશમાં આયોજિત કરવામાં આવશે નહીં. ભારતમાં સામાન્ય ચૂંટણીઓને કારણે લીગને યુનાઈટેડ આરબ અમીરાત (UAE)માં શિફ્ટ કરવાનો દાવો કરવામાં આવેલા અહેવાલો પછી આ સ્પષ્ટતા કરવામાં આવી છે.
BCCI સેક્રેટરી જય શાહે કરી સ્પષ્ટતા
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે BCCI સેક્રેટરી જય શાહે IPL 2024ના બીજા તબક્કાને દેશની બહાર શિફ્ટ કરવાનો ઇનકાર કરી દીધો છે. એવા ઘણા અહેવાલો હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેટલીક IPL ટીમોએ આગામી ચૂંટણીઓને કારણે મેચોને સ્થાનાંતરિત કરવાની વિનંતી કરી હતી, અને એવા દાવા પણ કરવામાં આવ્યા હતા કે BCCI સભ્યો IPLનો બીજો ભાગ UAEમાં યોજવાની શક્યતા શોધી રહ્યા છે. જોકે, જય શાહના નિવેદનથી આ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર
તમને જણાવી દઈએ કે આજે (શનિવાર, 16 માર્ચ) ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. લોકસભાની 543 બેઠકો માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં મતદાન થશે. એક તબક્કામાં 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે.