• પાકિસ્તાન ક્રિકેટના અધ્યક્ષ બન્યા મોહસીન નકવી
  • PCBએ બાબર આઝમને ફરીથી કેપ્ટન બનાવ્યો
  • ગેરી કર્સ્ટન અને જેસન ગિલેસ્પી બની શકે છે કોચ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને તાજેતરમાં મોહસીન નકવીના રૂપમાં નવા અધ્યક્ષ મળ્યા છે. પડોશી દેશના ક્રિકેટ મેનેજમેન્ટમાં ઘણીવાર એવું જોવા મળે છે કે ચેરમેન બદલાતાની સાથે જ બોર્ડની અંદર અન્ય હોદ્દાઓ પર પણ ઘણા ફેરફારો થાય છે. દરેક ચેરમેન પોતાની રીતે વસ્તુઓ ચલાવે છે. નકવીના આવ્યા બાદ આવું જ થયું છે. પહેલા શાહીન આફ્રિદી પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ ગઈ અને બાબરને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જે બાદ હવે ચર્ચા એવી છે કે ટીમના કોચ પણ બદલાવાના છે.

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજો પણ રેસમાં…

2011ના વર્લ્ડકપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર દિગ્ગજ ગેરી કર્સ્ટનનું નામ ચર્ચાઈ રહ્યું છે. એવા અહેવાલો પણ છે કે ટીમને લાલ બોલ અને સફેદ બોલ માટે અલગ-અલગ કોચ મળશે. તેથી કર્સ્ટનની સાથે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીનું નામ પણ ચર્ચામાં છે.

તાજેતરમાં જ શનિવારે PCBએ એક જાહેરાત બહાર પાડી હતી જેમાં લાલ બોલ અને સફેદ બોલના કોચ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં દરેકને 15મી એપ્રિલ સુધીમાં અરજી કરવા જણાવાયું હતું. આ હેઠળ, અરજદારો માટે સ્થાનિક ક્રિકેટમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ અથવા આંતરરાષ્ટ્રીય અને ફ્રેન્ચાઇઝી ટીમોના કોચિંગનો બે વર્ષનો અનુભવ હોવો ફરજિયાત હતો.

કોચ લાંબા સમય સુધી રહેશે!

PCBના એક સૂત્રએ જણાવ્યું હતું કે કર્સ્ટન અને ગિલેસ્પી આ અરજીઓ માટે અરજી કરવા ઇચ્છુક છે, જેથી તેઓ લાંબા સમય સુધી ટીમ સાથે રહી શકે. સૂત્રોનું માનીએ તો ભારતીય ટીમના વિશ્વવિજેતા કોચ રહી ચૂકેલા કર્સ્ટનને સફેદ બોલના કોચ અને ગિલેસ્પીને લાલ બોલના કોચ બનાવવામાં આવી શકે છે. સૂત્રે વધુમાં કહ્યું કે, 'જેને પણ કોચ બનાવવામાં આવશે તેને યોગ્ય કોન્ટ્રાક્ટ મળશે. એવી ખાતરી પણ આપવામાં આવી છે કે આ કાર્યકાળ લાંબો હશે અને જો અધ્યક્ષ બદલવામાં આવે તો કોચમાં કોઈ ફેરફાર નહીં થાય.

  • Follow us on: