- પૂર્વ દિગ્ગજ ખેલાડી ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ બન્યા
- ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફની પણ શોધ કરવામાં આવી રહી છે
- ગૌતમ ગંભીરે BCCI સમક્ષ તેની કેટલીક માંગણીઓ રજૂ કરી છે
ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી ગૌતમ ગંભીર ભારતીય ટીમના મુખ્ય કોચ બન્યા છે. તેણે રાહુલ દ્રવિડ બાદ ભારતીય ટીમની કમાન સંભાળી છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા બાદ ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફની પણ શોધ કરવામાં આવી રહી છે. અહેવાલોથી જાણવા મળ્યું છે કે ગંભીરે BCCI સમક્ષ તેની કેટલીક માંગણીઓ રજૂ કરી છે, પરંતુ તેના પર વિચાર કરવામાં આવ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગંભીરે 5 માંગણીઓ આગળ કરી છે. જેમાંથી 4ને સાઈડલાઈન કરવામાં આવી છે. જ્યારે એક મુદ્દે સર્વસંમતિ ઊભી થતી જોવા મળી રહી છે.
આ સૂચનો નકારવામાં આવ્યા હતા
એક અહેવાલ મુજબ, ગૌતમ ગંભીરના કેટલાક સૂચનોને BCCIએ નકારી કાઢ્યા છે. આમાં બોલિંગ અને ફિલ્ડિંગ કોચના નામ પર કોઈ સહમતિ બની શકી નથી. BCCI સાઉથ આફ્રિકાના દિગ્ગજ મોર્ને મોર્કેલ, વિનય કુમાર અને જોન્ટી રોડ્સ અને ટેન ડોશેટને કોચ તરીકેની ભૂમિકા આપવા તૈયાર નથી.
અભિષેક નાયરના નામ પર સંમતિ
રિપોર્ટમાં ખુલાસો થયો છે કે BCCI કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે સંકળાયેલા અભિષેક નાયરને સહાયક કોચ તરીકે નિયુક્ત કરવા સંમત થઈ છે. BCCI ગંભીરની આ માંગને સ્વીકારવા તૈયાર થઈ ગયું છે. અભિષેક નાયર હાલમાં KKR હેડ કોચ છે. તેને યુવા ખેલાડીઓ અને મેનેજમેન્ટ વચ્ચેની કડી માનવામાં આવે છે.તેણે KKRના મેન્ટર ગૌતમ ગંભીર સાથે ખૂબ નજીકથી કામ કર્યું છે.
સહાયક સ્ટાફ પસંદ કરવાની સ્વતંત્રતા નથી
રિપોર્ટ્સમાં એ વાત પણ સામે આવી છે કે BCCIએ ગૌતમ ગંભીરને સપોર્ટિંગ સ્ટાફ પસંદ કરવાની સ્વતંત્રતા આપી નથી. અગાઉ આ છૂટ રવિ શાસ્ત્રી અને રાહુલ દ્રવિડને આપવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ રહેલા પારસ મહામ્બ્રનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. આવી સ્થિતિમાં બોલિંગ કોચની શોધ તેજ થઈ ગઈ છે. ફિલ્ડિંગ કોચની ભૂમિકા માટે ટી દિલીપનો કાર્યકાળ લંબાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે ગૌતમ ગંભીર શ્રીલંકા સામેની સિરીઝમાં પ્રથમ વખત ભારતીય ટીમના કોચની ભૂમિકામાં જોવા મળશે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી T20 સિરીઝથી શરૂ થશે. ગૌતમ ગંભીર ત્રણ T20 અને ત્રણ વનડે સિરીઝમાં નવી ભૂમિકામાં જોવા મળશે. આ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.