• ભારતીય ટીમનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે
  • ત્રણ વનડે અને T20 મેચમાં એકબીજાની સામે ટકરાશે
  • આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને મુંઝવણ

ભારતીય ટીમનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટના રોજ પૂરો થશે અને આ દરમિયાન બંને ટીમો ત્રણ વનડે અને T20 મેચમાં એકબીજાની સામે ટકરાશે. હાલમાં જ એક મોટો સવાલ સામે આવ્યો છે કે શ્રીલંકા સામેની સિરીઝમાં ક્યા ખેલાડીને સુકાનીપદ આપવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને T20 વર્લ્ડકપ 2026 આગામી 2 વર્ષમાં યોજાવાની છે. તેથી ગૌતમ ગંભીરની મુખ્ય કોચની ભૂમિકા વધુ મહત્વની બની જાય છે.

1. હાર્દિક કે સૂર્યકુમાર, T20નો કેપ્ટન કોણ?

એક સમય હતો જ્યારે હાર્દિક પંડ્યાને T20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે રોહિત શર્માનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. T20 વર્લ્ડકપ 2022 પછી, હાર્દિકે 16 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ટીમ 10 વખત વિજયી રહી હતી. પરંતુ હાર્દિકની ઈજાના સમયમાં પણ સૂર્યકુમારે તેની કેપ્ટનશિપમાં ભારતને 7 મેચમાં 5 જીત અપાવી હતી. કારણ કે પંડ્યાએ દરેકની અપેક્ષાઓથી વિપરીત વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં, તાજેતરના અહેવાલોમાં, સૂર્યકુમારને કેપ્ટન બનાવવામાં આવ્યાના સમાચાર ચરમસીમાએ છે.

2. T20માં ભારતના ટોપ-3 બેટ્સમેન?

ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં યશસ્વી જયસ્વાલની વાપસીને કારણે ઋતુરાજ ગાયકવાડનો ઓપનિંગ સ્લોટ જોખમમાં હતો. એવા અહેવાલ હતા કે તેને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવી પડી શકે છે. હાર્દિક પંડ્યા અને રિષભ પંતના આગમનથી પસંદગીકારોની ચિંતા વધુ વધી ગઈ છે. સવાલ એ છે કે શું સૂર્યકુમાર ત્રીજા નંબરે બેટિંગ કરશે? શું T20 વર્લ્ડકપમાં પંતને ત્રીજા નંબર પર રમવું માત્ર એક પ્રયોગ હતો? તેના આવવાથી સંજુ સેમસન, અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડનું શું થશે?

3. શું પંત ODIમાં કરશે વાપસી

રિષભ પંતે T20 ફોર્મેટમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે સવાલ એ છે કે શું પંતને ODI ટીમમાં KL રાહુલની સાથે વિકેટકીપિંગની જવાબદારી મળી શકે છે. ODI ફોર્મેટમાં રાહુલનું મહત્વ ઘણું વધારે છે અને રોહિત શર્માની ગેરહાજરીમાં તેને કેપ્ટન બનાવવાનો વિચાર પણ ચાલી રહ્યો છે. સંજુ સેમસન પણ આ રેસમાં છે, પરંતુ પસંદગીકારો પંત-રાહુલના લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન સાથે જઈ શકે છે. આનો અર્થ એ થયો કે સેમસનને ફરી એકવાર પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેવું પડી શકે છે.

4. શું શ્રેયસ અને ઈશાનને ટીમમાં વાપસી કરી શકશે

શ્રેયસ ઐયર અને ઈશાન કિશન એવા બે ખેલાડીઓ છે જેમણે સ્થાનિક ક્રિકેટ ન રમવાને કારણે બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાકટમાંથી બહાર કરી દીઘા હતા. તે પછી, શ્રેયસે તેની કેપ્ટનશીપમાં KKRને IPL 2024માં ચેમ્પિયન બનાવ્યું છે અને ગૌતમ ગંભીર સાથે પણ તેનો સારો તાલમેલ છે. જ્યારે ઐયરે વર્લ્ડકપ 2023ની 11 મેચમાં 530 રન બનાવીને બધાના દિલ જીત્યા હતા. બીજી તરફ ઈશાન કિશનના ફોર્મમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે, પરંતુ ડાબોડી વિકેટકીપર બેટ્સમેન હોવાના કારણે તેને ટીમમાં જગ્યા મળી શકે છે.

5. શું સિનિયર ખેલાડીઓ ODI મેચ રમશે?

એવી અટકળો હતી કે ઘણા સિનિયર ખેલાડીઓ શ્રીલંકા સામેની વનડે સિરીઝમાંથી આરામ આપવામાં આવી શકે છે. પરંતુ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર આગામી સિરીઝમાં તમામ સિનિયર ખેલાડીઓની હાજરી ઈચ્છે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ભારતને ઘણી ઓછી ODI મેચો રમવાની છે, તેથી શ્રીલંકા સામેની સિરીઝ ઘણી મહત્વપૂર્ણ છે. રોહિત શર્મા ટૂંક સમયમાં આગામી સિરીઝ માટે તેની ઉપલબ્ધતાની જાહેરાત કરી શકે છે.

  • Follow us on: