- શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત ગમે ત્યારે થઈ શકે
- ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને કોઈ સમસ્યા નથી
- ભારતીય મેનેજમેન્ટ હાર્દિક પંડ્યાને નહીં સૂર્યાને બનાવી શકે કેપ્ટન
શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. 27 જુલાઈથી શરૂ થઈ રહેલા આ પ્રવાસ માટે કેપ્ટન તરીકે ઘણા નામો સામે આવ્યા છે. વાસ્તવમાં, રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. તેના સ્થાને કેપ્ટનની શોધ ચાલુ છે. રોહિત પછી વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યા સૌથી મોટો દાવેદાર હતો, પરંતુ હવે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. સૂર્યાનું નામ અચાનક કેમ ચર્ચામાં આવ્યું અને તે કેવી રીતે કેપ્ટનશિપનો બન્યો દાવેદાર?
ફિટનેસને લઈને કોઈ સમસ્યા નથી
વાસ્તવમાં, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક પંડ્યાને ફિટનેસને લઈને કેટલીક સમસ્યાઓ છે, જેના કારણે તેણે શ્રીલંકા પ્રવાસ પરની ODI સિરીઝમાંથી આરામ લેવાનો નિર્ણય કર્યો છે. ગત વર્ષે તે ફિટનેસના કારણે ઘણી મેચો ચૂકી ગયો હતો, પરંતુ T20 વર્લ્ડકપમાં તેને કોઈ સમસ્યા ન હતી. હવે જે દાવા સામે આવ્યા છે તેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને ફિટનેસની કોઈ સમસ્યા નથી, બલ્કે તે અંગત કારણોસર ODI સિરીઝમાં ભાગ લેવા માંગતો નથી.
સૂર્યા લાંબા સમય સુધી કેપ્ટન રહેશે
એવું પણ જાણવા મળ્યું છે કે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે હાર્દિક પંડ્યા સાથે કેપ્ટનશિપમાં ફેરફાર અંગે વાત કરી છે. હાર્દિક પંડ્યા ઘણી સિરીઝ રમતો નથી. તેથી મેનેજમેન્ટ લાબા સમયગાળાના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવને જોઈ રહ્યું છે.
હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફિટ
BCCIના એક સૂત્રએ જણાવ્યું કે, “હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફિટ છે અને ત્રણ મેચની T20 સિરીઝ માટે ઉપલબ્ધ છે. તેણે અંગત કારણોસર ODI સિરીઝમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. સૂર્યકુમાર માત્ર શ્રીલંકા સિરીઝમાં જ નહીં પરંતુ T20 વર્લ્ડકપ 2026માં પણ ટીમનો સંભવિત સુકાની હશે તેવી પૂરી સંભાવના છે.