- BCCI ભારતીય ટીમના હેડ કોચ માટે અરજીઓ મંગાવી
- ગૌતમ ગંભીર બની શકે છે ભારતીય ટીમના હેડ કોચ
- વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પુરો થશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) છેલ્લા કેટલાક સમયથી પુરૂષ ભારતીય ક્રિકેટ ટીમ માટે મુખ્ય કોચની શોધ કરી રહ્યું હતું. હવે એવું લાગે છે કે કદાચ બોર્ડની શોધ પૂરી થઈ ગઈ છે અને તેમને પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરના રૂપમાં યોગ્ય ઉમેદવાર મળી ગયો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ભારતીય ટીમના મુખ્ય કોચ બનવા માટે ગંભીર એકમાત્ર ઉમેદવાર છે અને તેનો ઈન્ટરવ્યુ આજે યોજાનાર છે.
આજે ગંભીરનું થઇ શકે છે ઇન્ટરવ્યું
એક અહેવાલ મુજબ, BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) ગૌતમ ગંભીરનો ઝૂમ કોલ દ્વારા ઈન્ટરવ્યુ લેશે. આ સમિતિમાં અશોક મલ્હોત્રા, જતીન પરાંજપે અને સુલક્ષણ નાઈક હાજર છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે ગંભીરે 2024 IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મેન્ટરની ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં જો તે ટીમ ઈન્ડિયાનો કોચ બને છે તો તેણે KKR સાથેનો સંબંધ ખતમ કરવો પડશે.
રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થશે
હાલ રાહુલ દ્રવિડ ભારતીય ટીમના મુખ્ય કોચ છે. દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થશે. બીસીસીઆઈએ મુખ્ય કોચ માટે 13 મેના રોજ આવેદનપત્ર બહાર પાડ્યું હતું, જેની છેલ્લી તારીખ 27 મે હતી. રાહુલ દ્રવિડે ફરીથી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગંભીર વિશે વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનાવવા માટે તે પહેલી પસંદ હતો.
ગંભીરનું ઈન્ટરનેશનલ કરિયર
નોંધનીય છે કે ગંભીરે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 58 ટેસ્ટ, 147 વનડે અને 37 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટની 104 ઇનિંગ્સમાં તેણે 41.95ની એવરેજથી 4154 રન બનાવ્યા, જેમાં 9 સદી અને 22 અડધી સદી સામેલ છે. આ સિવાય ODIની 143 ઇનિંગ્સમાં તેણે 39.68ની એવરેજથી 5238 રન બનાવ્યા જેમાં 11 સદી અને 34 અડધી સદી સામેલ છે. T20 ઇન્ટરનેશનલની બાકીની 36 ઇનિંગ્સમાં, તેણે 27.41ની એવરેજ અને 119.02ની સ્ટ્રાઇક રેટથી 932 રન બનાવ્યા, જેમાં 7 અડધી સદીનો સમાવેશ થાય છે.