- ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની T20 સિરીઝ રમાશે
- ગંભીર અને સૂર્યકુમારની નવી જોડી પ્લેઇંગ 11માં કરશે બદલાવ
- શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરશે
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝ નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળની શરૂઆત પણ કરશે. આ સાથે જ ટીમ ઈન્ડિયા નવા ટી20 કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવની નવી જોડી પ્લેઇંગ 11માં શું બદલાવ સાથે મેદાનમાં ઉતરશે તેના પર સૌની નજર રહેશે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં કોને મળશે સ્થાન?
શ્રીલંકા સામેની આ T20 સિરીઝમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી તરીકે રમશે તે લગભગ નિશ્ચિત છે. જ્યારે રિષભ પંત નંબર-3 પર રમતા જોવા મળી શકે છે. તે T20 વર્લ્ડકપ 2024માં પણ આ જ નંબર પર રમ્યો હતો. સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર રમવાનું ચાલુ રાખી શકે છે. આ સિવાય હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલને નીચલા ક્રમમાં તક મળી શકે છે. બીજી તરફ બોલર તરીકે રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજને પ્લેઈંગ 11માં સામેલ કરી શકાય છે.
આ ખેલાડીઓના પત્તા કપાશે
રિયાન પરાગ, સંજુ સેમસન, શિવમ દુબે અને ખલીલ અહેમદને પ્લેઈંગ 11માં સ્થાન મેળવવું મુશ્કેલ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આ ખેલાડીઓને પ્રથમ T20 મેચમાં બહાર બેસવું પડી શકે છે. આ ચારેય ખેલાડીઓને ઝિમ્બાબ્વે સામેની ટી20 સિરીઝમાં રમવાની તક મળી ન હતી.
શ્રીલંકા સિરીઝમાં રિષભ પંતની વાપસી થઈ છે, તેથી સંજુ સેમસનને આ ટીમમાં જગ્યા મળી રહી નથી. આ સાથે જ હાર્દિક પંડ્યા ટીમમાં સામેલ થતા શિવમ દુબેનું સ્થાન પણ ખતરામાં છે. T20 વર્લ્ડકપ 2024 દરમિયાન, બંને ખેલાડીઓ પ્લેઇંગ 11માં સાથે રમ્યા હતા. પરંતુ શ્રીલંકાની સ્થિતિને જોતા આ બંને ખેલાડીઓ માટે એકસાથે તક મળવી મુશ્કેલ છે.
રિયાન પરાગને પણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર રમવાની તક મળી હતી, પરંતુ હાલમાં તેને પ્લેઈંગ 11માં સ્થાન મળે તેવું લાગતું નથી. અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ ટીમમાં સામેલ થતાં ખલીલ અહેમદને પણ બહાર બેસવું પડી શકે છે. તે ઝિમ્બાબ્વે સિરીઝમાં પણ રમતા જોવા મળ્યો હતો.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ (vc), યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (wk), સૂર્યકુમાર યાદવ (c), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.