• ગુજરાત ટાઈટન્સે IPL 2022માં ટાઈટલ જીત્યું હતું
  • શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સની ટીમ સાથે જોડાયો
  • ગુજરાત ટાઇટન્સ શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો છે

ગુજરાત ટાઈટન્સની ટીમ IPL 2022 અને 2023માં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં રમી હતી. પરંતુ IPL 2024 પહેલા જ હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાયો હતો. હાર્દિકની કપ્તાનીમાં ગુજરાતે બે સિઝનમાં ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને IPL 2022માં ટીમ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. હાર્દિક બાદ ગુજરાત ટાઇટન્સ ટીમે સ્ટાર શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો હતો. હવે ગિલ IPL 2024 પહેલા જ ગુજરાત ટાઇટન્સ ટીમ સાથે જોડાઈ ગયો છે.

શુભમન ગિલ ટીમ સાથે જોડાયો

ગુજરાત ટાઇટન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, કેપ્ટન ગિલનું ઘરે સ્વાગત છે. ગિલે આ પહેલા IPLમાં કેપ્ટનશિપ કરી નથી. ગિલે અંડર-19 વર્લ્ડ કપ 2018માં ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટનની જવાબદારી નિભાવી છે. તેણે છેલ્લી બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે.

છેલ્લી બે સિઝનમાં મજબૂત પ્રદર્શન

શુભમન ગિલે IPL 2022માં 483 રન અને IPL 2023માં 890 રન બનાવ્યા હતા. તે IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે આ સિઝનમાં કુલ ત્રણ સદી અને ચાર ફિફ્ટી ફટકારી હતી. તેણે એકલા હાથે ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં પહોંચાડ્યું. પરંતુ ફાઇનલમાં ગુજરાતને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

પ્રથમ મેચ 24 માર્ચે રમાશે

ગુજરાત ટાઇટન્સ પહેલા શુભમન ગિલ કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતા હતા. અત્યાર સુધીમાં તેણે 91 IPL મેચોમાં કુલ 2790 રન બનાવ્યા છે જેમાં 18 ફિફ્ટી સામેલ છે. ગિલ તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે. ગુજરાત ટાઇટન્સ ટીમ 24 માર્ચે IPL 2024માં તેની પ્રથમ મેચ રમવાની છે. જ્યારે ગુજરાતની ટીમ બીજી મેચ 26મી માર્ચે રમશે.

  • Follow us on: