ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ આજે એટલે કે 27 ઓક્ટોબરે 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ઈરફાનને ઈન્ટરનેશનલ ક્રિકેટ છોડ્યાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ આજે પણ તે મેદાન પર જોવા મળે છે.


ઈરફાન ઘણી ટી20 લીગ દ્વારા સમયાંતરે મેદાન પર પોતાનો જાદુ ફેલાવતો રહે છે. પરંતુ તેને તેના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કેટલાક એવા પરાક્રમ કર્યા છે, જે હંમેશા યાદ રહેશે.

ટેસ્ટ મેચના પહેલા દિવસે ઝડપી સાત વિકેટ

ઈરફાને 2005માં ઝિમ્બાબ્વે પ્રવાસની બીજી ટેસ્ટના પહેલા દિવસે સાત વિકેટ ઝડપી હતી. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સાત વિકેટ લેનારો તે હજુ પણ એકમાત્ર ભારતીય ઝડપી બોલર છે. અત્યાર સુધીમાં છ ભારતીય બોલરોએ ટેસ્ટના પ્રથમ દિવસે સાત કે તેથી વધુ વિકેટ લીધી છે. પ્રથમ દિવસે છમાંથી પાંચે સાત અને એકે નવ વિકેટ લીધી હતી.

બેટિંગ અને બોલિંગ બંનેમાં ઓપનિંગ

ટેસ્ટ અને વન-ડે બંનેમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં ઓપનિંગ કરનાર ઈરફાન માત્ર બીજો ભારતીય છે. ઈરફાને ટેસ્ટમાં ત્રણ વખત અને વનડેમાં એક વખત આવું કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં કુલ 15 ભારતીયો આવું કરી શક્યા છે જ્યારે વનડેમાં માત્ર ચાર ભારતીયો આ કરી શક્યા છે.

 

ટેસ્ટની પ્રથમ ઓવરમાં હેટ્રિક

ઈરફાને જાન્યુઆરી 2006માં પાકિસ્તાન પ્રવાસ દરમિયાન કરાચીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઐતિહાસિક કામ કર્યું હતું. તેને પહેલી જ ઓવરમાં સલમાન બટ્ટ, યુનિસ ખાન અને મોહમ્મદ યુસુફને આઉટ કરીને હેટ્રિક લેવાની સિદ્ધિ મેળવી હતી. ઈરફાને સલમાનને પહેલા બોલ પર રાહુલ દ્રવિડના હાથે સ્લિપમાં કેચ કરાવ્યો હતો. આ પછી તેને બીજા બોલ પર યુનિસને એલબીડબલ્યુ કરી દીધો.

યુસુફ હેટ્રિક બોલનો સામનો કરવા આવ્યો હતો. ઈરફાને આવતા બોલ પર તેને ક્લીન બોલ્ડ કરીને તેની હેટ્રિક પૂરી કરી. તે પ્રથમ ઓવરમાં ટેસ્ટ હેટ્રિક લેનાર વિશ્વનો એકમાત્ર બોલર છે. આ સાથે તે ટેસ્ટ હેટ્રિક લેનાર માત્ર ત્રણ ભારતીયોમાંનો એક છે.


  • Follow us on: