- T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા 17 વર્ષ બાદ ચેમ્પિયન બની
- T20 વર્લ્ડકપમાં જીત્યા બાદ હાર્દિક પોતાના વતન પરત ફર્યો
- હાર્દિક પંડ્યાનો માંડવી ખાતેથી ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો
T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા 17 વર્ષ બાદ ચેમ્પિયન બની હતી. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજે T20 વર્લ્ડકપમાં જીત બાદ સૌપ્રથમ વખત વતન વડોદરામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાનો માંડવી ખાતેથી ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ખુલ્લી બસમાં હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને માતા નલિની પંડ્યાએ લોકોનું અભિવાદન જીલ્યું હતું. આ રોડ શોનું આયોજન ટીમ રિવોલ્યુશન માટે કરવમાં આવ્યું હતું.
વડોદરામાં પોલીસે રોડ શોને લઈને એક દિવસ પહેલા જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. જેમાં કેટલા રસ્તાઓ બંધ રહેશે તેના વિશે જાણકારી આપી હતી. રોડ શો દરમિયાન બંદોબસ્તમાં જોડાયેલા વાહનો, અમ્બ્યુલન્સ , ફાયર બ્રિગેડ ઈમરજન્સીમાં જતા વાહનોને મુક્તિ આપવામાં આવી હતી.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી
હાર્દિક પંડ્યાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર વિકટરી રોડ શોનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેણે કેપ્શનમાં ઓલ ઈઝ માઈ હાર્ટ લખ્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્દિક પંડ્યાને એક ઝલક જોવા માટે ભારે ભીડ ઉમટી છે. હાર્દિક પંડ્યાનું મુળ વતન વડોદરામાં T20 વર્લ્ડકપમાં જીત બાદ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
હાર્દિક પંડ્યા વર્લ્ડકપની ફાઈનલનો હીરો
T20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલમાં જ્યારે સાઉથ આફ્રિકાને જીત માટે 24 બોલમાં 26 રનની જરૂર હતી. હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલર ક્રિઝ પર હતા. આવિ સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માએ 17મી ઓવર હાર્દિક પંડ્યાને સોંપી હતી. આ ઓવરમાં પહેલા જ બોલ પર હેનરિક ક્લાસેનને પેવેલિયનનો રસ્તો બતાવીને ભારતને મેચમાં વાપસી કરાવી હતી. અંતિમ ઓવરમાં સાઉથ આફ્રિકાને 16 રનની જરૂર હતી અને હાર્દિક પંડ્યાએ ડેવિડ મિલરની વિકેટ લઈને જીત સુનિશ્ચિત કરી હતી.
હાર્દિકનું વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન
T20 વર્લ્ડકપ 2024માં હાર્દિક પંડ્યાએ બોલ અને બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટૂર્માનેન્ટમાં હાર્દિક પંડ્યાએ 144 રન અને 11 વિકેટ ઝડપી હતી. હાર્દિકના ઓલરાઉન્ડર પ્રદર્શને ભારતે ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.