- T20 વર્લ્ડકપમાં હાર્દિક ભારત માટે સાબિત થયો ટ્રમ્પ કાર્ડ
- આ ટૂર્નામેન્ટમાં હાર્દિકે બોલ અને બેટ વડે કર્યું શાનદાર પ્રદર્શન
- હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયો પર શેર કર્યો ઈમોશનલ વીડિયો
સપના સાકાર થવામાં ચોક્કસ સમય લાગે છે, પરંતુ જો તમારો ઈરાદો સાચો હશે તો એક દિવસ તમે તમારી મંઝિલ ચોક્કસ હાંસલ કરી શકશો. આવું જ કંઈક ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે જોવા મળ્યું, જેણે લાંબા સમય સુધી ટ્રોલર્સના નિશાન હોવા છતાં હિંમત હારી નહીં અને ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકા સામે શાનદાર બોલિંગ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.
ફાઈનલ મેચમાં, ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું અને 17 વર્ષ પછી T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો. ભારત વર્લ્ડ ચેમ્પિયન બનતાની સાથે જ હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત દરેક લોકો ભાવુક થતા જોવા મળ્યા હતા.
હાર્દિકે ઈમોશનલ વીડિયો શેર કર્યો
આ આંસુ ખુશીના હતા, કારણ કે લાંબી રાહ જોયા બાદ ટીમ ઈન્ડિયાએ આ ટ્રોફી જીતી હતી. માત્ર મેદાન પર જ નહીં પરંતુ હાર્દિક પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ઈમોશનલ વીડિયો પણ શેર કર્યો છે.
વાસ્તવમાં, T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાની જીત બાદ, હાર્દિક પંડ્યાએ X પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બાળપણનો હાર્દિક કહી રહ્યો છે કે અમે બંને ભાઈ બરોડા અને ભારત માટે રમીએ તે અમારું સપનું છે. આ વિડિયોમાં પંડ્યાએ કેપ્શનમાં લખ્યું છે કે બરોડાનો એક છોકરો જે પોતાનું સપનું જીવી રહ્યો છે અને તેના રસ્તામાં જે કંઈ આવ્યું તેના માટે આભારી છે. આનાથી વધુ કંઈ માંગી શકાય નહીં. મારા માટે હંમેશા દેશ માટે રમવુંએ સૌથી મોટી સન્માનની વાત રહેશે
હાર્દિક પંડ્યા ભારત માટે ટ્રમ્પ કાર્ડ
હાર્દિક પંડ્યાએ ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં આ સાબિત કર્યું કારણ કે તે જરૂરિયાતના સમયે ટીમ ઇન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ બની જાય છે. સાઉથ આફ્રિકા સામે હાર્દિકે શાનદાર બોલિંગ કરી અને હેનરિક ક્લાસેનને પહેલા આઉટ કર્યો. આ પછી તેણે છેલ્લી ઓવરમાં બે વિકેટ લઈને ભારતને આ જીત અપાવી હતી. હાર્દિકે છેલ્લી ઓવરના પહેલા બોલ પર ડેવિડ મિલરને સૂર્યાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ ઓવરના પાંચમા બોલ પર પંડ્યાએ રબાડાને આઉટ કર્યો હતો.