- T20 વર્લ્ડકપ 2024 પહેલા ICCએ તાજેતરની રેન્કિંગ જાહેર કરી
- ટોપ-10માં ઓલરાઉન્ડર રૂપમાં હાર્દિક પંડ્યા માત્ર એક ભારતીય
- હાર્દિક પંડ્યાની તેના ખરાબ ફોર્મ માટે ટીકા થઈ રહી હતી
T20 વર્લ્ડકપ 2024 પહેલા હાર્દિક પંડ્યાની તેના ખરાબ ફોર્મ માટે ટીકા થઈ રહી હતી. ICCએ તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસન અને શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા સંયુક્ત રીતે T20 ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. બંનેના હાલ 228 પોઈન્ટ છે. ટોપ-10માં માત્ર એક ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના રૂપમાં છે, જે 7મા સ્થાને યથાવત છે. પંડ્યાના હાલમાં 185 પોઈન્ટ છે. બીજી તરફ શાકિબ અને હસરંગા પોતાના શાનદાર પ્રદર્શનના કારણે ટોચ પર પહોંચી ગયા છે.
T20માં મોહમ્મદ નબી-રઝાનો સમાવેશ
અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ નબી 218 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને બે સ્થાનનો ફાયદો થયો છે અને તે T20 ઓલરાઉન્ડરોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસ છઠ્ઠા નંબર પર હાજર છે. આ બધા સિવાય નેપાળના દીપેન્દ્ર સિંહને એક સ્થાનનો ફાયદો થયો છે, જેના કારણે તે ટોપ-10માં પ્રવેશી ગયો છે.
બેટ્સમેનોમાં સૂર્યકુમાર યાદવ ટોપ પર
બેટ્સમેનોની વાત કરીએ તો ભારતના સૂર્યકુમાર યાદવ હજુ પણ 861 પોઈન્ટ સાથે ટોપ પર છે. ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ 802 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. રિઝવાનને હાલમાં 781 અને બાબરને 761 માર્કસ છે. દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન એડન માર્કરામ પાંચમા સ્થાને છે. સૂર્યકુમાર યાદવ ઉપરાંત યશસ્વી જયસ્વાલના રૂપમાં અન્ય એક ભારતીય બેટ્સમેન ટોપ-10માં છે. જયસ્વાલ 714 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.
T20 બોલિંગ રેન્કિંગમાં 2 ભારતીય શામેલ
ટી20 બોલિંગ રેન્કિંગ પર નજર કરીએ તો ઈંગ્લેન્ડના આદિલ રાશિદનો દબદબો છે. વાનિન્દુ હસરંગા બીજા સ્થાને છે. બોલરોમાં ટોપ-10માં બે ભારતીય બોલર પણ સામેલ છે. અક્ષર પટેલ (660) ચોથા સ્થાને છે જ્યારે રવિ બિશ્નોઈ સંયુક્ત રીતે પાંચમા સ્થાને છે.