પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરીને કુલ 556 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી કેપ્ટન શાન મસૂદ, અબ્દુલ્લા શફીક અને સલમાન અલી આગાએ સદી ફટકારી હતી. આ પછી ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી, જ્યારે કેપ્ટન ઓલી પોપ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. આ પછી જો રૂટ અને જેક ક્રાઉલે રન બનાવવાની જવાબદારી લીધી. રૂટે સદી ફટકારી હતી. આ પછી હેરી બ્રુકે પણ પાકિસ્તાન સામે જોરદાર સદી ફટકારી હતી.


હેરી બ્રુકે કોહલીને છોડ્યો પાછળ

25 વર્ષના હેરી બ્રુકે પાકિસ્તાન સામે શાનદાર બેટિંગ કરી છે. તે અત્યારે 109 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યો છે. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને એક સિક્સર ફટકારી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે હેરી બ્રુકે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. WTCમાં બ્રુકના નામે અત્યાર સુધી કુલ 5 સદી છે. કોહલીના નામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ 4 સદી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ જો રૂટના નામે છે. તેણે 17 સદી ફટકારી છે.

સેહવાગ અને લારાની બરાબરી

પાકિસ્તાન સામે હેરી બ્રુકની આ ચોથી ટેસ્ટ સદી છે. ખાસ વાત એ છે કે તેણે પાકિસ્તાનમાં ચારેય સદી ફટકારી છે. આ સાથે તેણે ભારતના મોહિન્દર અમરનાથ, બ્રાયન લારા, વિરેન્દ્ર સેહવાગ, કેન વેરિંગ્ટન, ઈયાન બેલ, એબી ડી વિલિયર્સ, સનથ જયસૂર્યા, જસ્ટિન લેંગર, પીટર પરફિટ, ગ્રીમ સ્મિથ, માર્ક ટેલરની બરાબરી કરી લીધી છે. આ દિગ્ગજ બેટ્સમેનોએ પાકિસ્તાન સામે ટેસ્ટ ક્રિકેટમાં ચાર સદી પણ ફટકારી હતી.

2022માં ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ડેબ્યૂ

હેરી બ્રુક ઝડપી બેટિંગ કરવા માટે જાણીતો છે અને તેણે ઈંગ્લેન્ડની ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. જ્યારે તે લયમાં હોય છે, ત્યારે તે કોઈપણ બોલિંગ આક્રમણને નષ્ટ કરી શકે છે. તેણે વર્ષ 2022માં ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેનું બેટ પાકિસ્તાન સામે જોરથી બોલે છે. તેણે અત્યાર સુધી પાકિસ્તાની ટીમ સામે 4 મેચમાં 581 રન બનાવ્યા છે જેમાં ચાર સદી સામેલ છે. કુલ મળીને તેણે અત્યાર સુધી 19 ટેસ્ટ મેચમાં 1671 રન બનાવ્યા છે. તે મિડલ ઓર્ડરમાં ઈંગ્લેન્ડ માટે મહત્વનો બેટ્સમેન સાબિત થયો છે.


  • Follow us on: