ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ડરબનમાં પ્રથમ T20 મેચ રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમ ઈન્ડિયાનો ઓપનર અભિષેક શર્મા 8 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક શર્માને ગેરાલ્ડ કોએત્ઝીએ આઉટ કર્યો હતો. આ રીતે અભિષેક શર્માની આંતરરાષ્ટ્રીય મેચોમાં ફ્લોપની સિરીઝ અવિરત ચાલુ છે. અભિષેક શર્માએ તેની છેલ્લી 4 ઇનિંગ્સમાં અનુક્રમે 16 રન, 15 રન, 4 રન અને 7 રન બનાવ્યા છે. આ રીતે અભિષેક શર્મા છેલ્લી 4 ઇનિંગ્સમાં માત્ર 42 રન જ બનાવી શક્યો છે.
પ્રથમ T20માં ફ્લોપ થયો અભિષેક શર્મા
હવે અભિષેક શર્મા સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે અભિષેક શર્મા IPL મેચોમાં સારો દેખાવ કરે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રદર્શન કરવામાં અસમર્થ છે. આ સિવાય જો વિકેટ બોલરોને મદદ કરે છે તો તે સંપૂર્ણ ફ્લોપ સાબિત થાય છે. જોકે અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે વિરૂદ્ધ સદી ચોક્કસ ફટકારી હતી, પરંતુ તે પોતાનું ફોર્મ જાળવી શક્યો નહોતો.
આવી રહી છે અભિષેક શર્માની કારકિર્દી
અભિષેક શર્માના કરિયર પર નજર કરીએ તો આ ખેલાડીએ 9 ટી20 મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ મેચોમાં બેટ્સમેન તરીકે અભિષેક શર્માએ 164.36ના સ્ટ્રાઈક રેટ અને 20.75ની એવરેજથી 166 રન બનાવ્યા હતા. જેમાં સર્વોચ્ચ સ્કોર 100 રન છે. આ સિવાય બોલર તરીકે અભિષેક શર્માએ 9.39ની ઈકોનોમી અને 44.67ની એવરેજથી 3 વિકેટ લીધી છે. જો કે, IPL મેચોમાં અભિષેક શર્માએ 155.13ની સ્ટ્રાઈક રેટ અને 25.48ની એવરેજથી 1376 રન બનાવ્યા છે, પરંતુ તે આંતરરાષ્ટ્રીય મેચોમાં તેના IPL પરાક્રમોનું પુનરાવર્તન કરી શક્યો નથી.