- બન્ને ટીમો પોતાની બીજી મેચ માટે વિશાખાપટ્ટનમ પહોંચી
- ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 0-1થી પાછળ
- વિશાખાપટ્ટનમના મેદાન પર રોહિત શર્માનો સારો રેકોર્ડ
હૈદરાબાદ બાદ ભારત અને ઈંગ્લેન્ડની ટીમો પોતાની બીજી મેચ માટે વિશાખાપટ્ટનમ પહોંચી ગઈ છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ યજમાન ટીમ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 0-1થી પાછળ રહી ગઈ છે. બીજી ટેસ્ટ પહેલા રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાના કારણે બહાર છે. આ પછી ભારતને સિરીઝમાં વાપસી કરાવવાની સમગ્ર જવાબદારી કેપ્ટન રોહિત શર્માના ખભા પર રહેશે. ભારતની સાથે વિશાખાપટ્ટનમના મેદાન પર રોહિત શર્માનો રેકોર્ડ પણ ઘણો સારો છે. ભારતે અહીં રમાયેલી બે મેચમાં જીત મેળવી છે, જ્યારે રોહિત શર્માએ આ મેદાન પર એક મેચમાં 2 સદી ફટકારી છે.
દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી હતી
રોહિત શર્માએ વિશાખાપટ્ટનમના મેદાન પર 2019માં ભારતનો પ્રવાસ કરનારી દક્ષિણ આફ્રિકાની ટીમ સામે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. ઓપનિંગ કરતી વખતે રોહિતે પ્રથમ દાવમાં 244 બોલનો સામનો કરીને 176 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે બીજી ઈનિંગમાં રોહિત શર્માએ 149 બોલમાં 127 રન બનાવ્યા હતા. રોહિતની આ સદીઓની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકાને 203 રનથી હરાવ્યું હતું. ફરી એકવાર આ મેદાન પર ઈંગ્લેન્ડ સામે કેપ્ટન પાસેથી આવી જ ખાસ ઈનિંગની અપેક્ષા રાખવામાં આવશે.
ભારતનું બિનઅનુભવી બેટિંગ લાઇન અપ
ભારત માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ ઘણો પડકારજનક રહેશે. કારણ કે પહેલેથી જ વિરાટ કોહલી અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટ રમી રહ્યો નથી. પ્રથમ ટેસ્ટ બાદ રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. જાડેજાને પ્રથમ ટેસ્ટ દરમિયાન હેમસ્ટ્રિંગમાં તણાવ થયો હતો. જેના કારણે તે બીજી મેચ રમી રહ્યો નથી અને તેના આગળની મેચ રમવા અંગે શંકા છે અને કેએલ રાહુલ પણ પ્રથમ ટેસ્ટમાં જાંઘના દુખાવાથી પીડાઈ રહ્યો હતો.
ભારત બીજી ટેસ્ટમાં આ બંનેની ગેરહાજરી ઘણી વર્તાશે. કારણ કે તેના પછી ભારતના બેટિંગ ઓર્ડરમાં રોહિત શર્મા એકમાત્ર અનુભવી બેટ્સમેન છે. તેમજ શુભમન ગિલ પણ છેલ્લી કેટલીક મેચોથી રન બનાવી શક્યો નથી. શ્રેયસ ઐયરનું ફોર્મ પણ ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં કેપ્ટનના ખભા પર એક મોટી જવાબદારી આવવાની છે.
રોહિત શર્મા vs ઈંગ્લેન્ડ
2013માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર રોહિત શર્મા ભારત માટે અત્યાર સુધીમાં 54 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આટલી મેચોમાં રોહિતે 45.23ની એવરેજથી 3800 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિત શર્માએ 10 સદી અને 16 અડધી સદી પણ ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 212 રન છે. જ્યારે રોહિત શર્મા 2014થી ઈંગ્લેન્ડ સામે માત્ર 10 ટેસ્ટ રમ્યો છે, જેમાં તેણે 47.64ની મજબૂત એવરેજથી 810 રન બનાવ્યા છે. રોહિતે ઈંગ્લેન્ડ સામે બે સદી અને 3 અડધી સદી ફટકારી છે.