- ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરી રહ્યું છે પાકિસ્તાન
- ભારતીય ટીમના પાકિસ્તાન જવા અંગે હજું સસ્પેન્સ
- આ અંગે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરનું મોટું નિવેદન
આ વખતે પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે, પરંતુ ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન જશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે BCCIએ પહેલા ઈન્કાર કરી દીધો હતો કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ ટીમ ઇન્ડિયા માટે હાઇબ્રિડ મોડલ લાગુ કરવાનો ઇનકાર કરી દીધો હતો. હવે આ અંગે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે મોટું નિવેદન આપ્યું છે.
'જો પીએમ મોદી સંમત થાય..'
તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમવા પાકિસ્તાન જશે કે નહીં તે હજુ નક્કી નથી થયું. બીજી તરફ પાકિસ્તાન ટીમ ઈન્ડિયા તેમના દેશમાં આવે તે માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યું છે. હવે, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને નિર્ણય હવે સંપૂર્ણપણે પીએમ મોદીના હાથમાં છે, જો તેઓ સંમત થાય તો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે. જો તેઓ સંમત નહીં થાય તો જય શાહ માટે નિર્ણય લેવો મુશ્કેલ બનશે.
એશિયા કપ 2023 દરમિયાન પણ આવું બન્યું હતું
એશિયા કપ 2023ની યજમાની પણ પાકિસ્તાને કરી હતી, તે સમયે પણ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ એશિયા કપ 2023માં હાઇબ્રિડ મોડલ જોવા મળ્યું હતું અને ટીમ ઇન્ડિયાએ તેની તમામ મેચો શ્રીલંકામાં રમી હતી. 2013 થી, બંને ટીમો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી જોવા મળી નથી. જોકે પાકિસ્તાને ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ભારતનો પ્રવાસ કર્યો હતો.