- સૂર્યકુમાર યાદવ બુચી બાબુ ઇન્વિટેશન ટૂર્નામેન્ટ દરમિયાન ઇજાગ્રસ્ત થયો
- સૂર્યાની ઈજા કેટલી ગંભીર છે તેને લઇ હજું સુધી કોઇ જાણકારી નહીં
- સૂર્યાના દુલીપ ટ્રોફીમાં રમવા પર પણ સવાલો ઉભા થયા
ભારતીય ટીમનો T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ બુચી બાબુ ટૂર્નામેન્ટ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. બાંગ્લાદેશ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયા માટે આ ખરાબ સમાચાર છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ અને ટી20 સિરીઝ રમવાની છે. આ 19 સપ્ટેમ્બરથી સિરીઝ શરૂ થશે. સૂર્યા બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો.
બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ઇજાગ્રસ્ત થયો સૂર્યા
એક અહેવાલ અનુસાર સૂર્યકુમાર યાદવ કોઈમ્બતુરમાં મુંબઈ અને તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન ઇલેવન વચ્ચેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. હવે સૂર્યાના દુલીપ ટ્રોફીમાં રમવા પર પણ સવાલો ઉભા થયા છે. દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરૂ થશે. સૂર્યા દુલીપ ટ્રોફીમાં ટીમ 'C'નો ભાગ છે.
બાંગ્લાદેશ સામે રમવાને લઇ સસ્પેન્સ
ઉલ્લેખનિય છેકે સૂર્યકુમારની ઈજા કેટલી ગંભીર છે અને તે ક્યારે મેદાન પર વાપસી કરી શકશે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. સૂર્યાને શ્રીલંકા પ્રવાસથી ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ સામે 6 ઓક્ટોબરથી રમાનારી ટી20 સિરીઝ માટે સૂર્યા ઉપલબ્ધ રહેશે કે નહીં તે અંગે કોઈ અપડેટ નથી. હવે તે ક્યારે મેદાનમાં પરત ફરે છે તે જોવું રસપ્રદ રહેશે.
ટેસ્ટ મેચ રમવાની ઈચ્છા વ્યક્ત કરી
થોડા સમય પહેલા સૂર્યાએ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 'ધ હિંદુ' સાથે વાત કરતા સર્યાએ કહ્યું હતું કે, "રેડ બોલ ક્રિકેટ હંમેશા મારી પ્રાથમિકતા રહી છે. જ્યારે હું મુંબઈના મેદાનોમાં ઉછર્યો હતો અને ઘણું લોક ક્રિકેટ રમ્યું હતું, ત્યારે મેં રેડ ચેરી સાથે રમવાનું શરૂ કર્યું હતું. ત્યાંથી જ મને લાંબા ફોર્મેટ પ્રત્યેનો પ્રેમ શરૂ થયો હતો. હું 10 વર્ષથી વધુ સમયથી તમામ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ભાગ લઈ રહ્યો છું અને મને હજી પણ આ ફોર્મેટમાં રમવાનું પસંદ છે અને તેથી જ હું દુલીપ ટ્રોફી પહેલા અહીં આવ્યો છું. "