- ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને સામે આવ્યું મોટું અપડેટ
- પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે BCCI પાસે કરી અનોખી માંગ
- ICC વાર્ષિક કોન્ફરન્સ 19 જુલાઈના રોજ કોલંબોમાં યોજાશે
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડ પાસેથી ખૂબ જ અનોખી માંગ કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઈચ્છે છે કે BCCIએ લેખિત પુરાવા આપે કે ભારત સરકારે સુરક્ષા કારણોને ટાંકીને ટીમ ઈન્ડિયાને આવતા વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો છે.
ICCને લેખિતમાં જાણ કરવી જોઈએ
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન ઈચ્છે છે કે આ મુદ્દાનો ઝડપથી ઉકેલ આવે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ICC વાર્ષિક કોન્ફરન્સ 19 જુલાઈના રોજ કોલંબોમાં યોજાશે, જેમાં 'હાઈબ્રિડ મોડલ' પર ચર્ચા એજન્ડામાં નથી. આ અંતર્ગત ભારતીય ટીમ પોતાની મેચ UAEમાં રમશે. રિપોર્ટમાં પીસીબીના એક સૂત્રએ કહ્યું કે, જો ભારત સરકારે પરવાનગી ન આપી હોય તો તે લેખિતમાં આપવું પડશે અને BCCIએ તરત જ ICCને તે પત્ર આપવો જોઈએ.
BCCI હંમેશા કહે છે કે પાકિસ્તાનમાં રમવાનો નિર્ણય સરકારનો હશે અને 2023 ODI એશિયા કપમાં પણ ભારતની મેચો શ્રીલંકામાં હાઈબ્રિડ મોડલ પર રમાઈ હતી. PCBએ ચેમ્પિયન્સ ટ્રોફીના શિડ્યુલનો ડ્રાફ્ટ ICCને સુપરત કર્યો છે, જેમાં ભારતની તમામ મેચ, સેમીફાઈનલ અને ફાઈનલ લાહોરમાં યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચે મેચ રમાવાની છે.
એશિયા કપમાં પણ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નથી ગઈ
આ પહેલા પાકિસ્તાને 2023 એશિયા કપની પણ યજમાની કરી હતી. જોકે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં રમાઇ હતી. ટીમ ઈન્ડિયાએ 2023ના એશિયા કપમાં શ્રીલંકામાં પોતાની મેચ રમી હતી. અત્યાર સુધી BCCIએ 2025 ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. જોકે, ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે ICC પાસેથી હાઇબ્રિડ મોડલની માંગણી કરી છે.