ICCએ તેની તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે. તાજેતરની રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોવા મળ્યું છે. બાંગ્લાદેશ સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યાએ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં મોટો ફાયદો ઉઠાવ્યો છે. હાર્દિકે રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. હવે હાર્દિકની નજર વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બનવા પર રહેશે. જો બાંગ્લાદેશ સામેt20 સીરીઝની આગામી બે મેચોમાં હાર્દિકનું પ્રદર્શન શાનદાર રહેશે તો તે T20 ક્રિકેટ માટે ICC ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં પ્રથમ સ્થાને આવી શકે છે.
હાર્દિકને 4 સ્થાનનો થયો ફાયદો
હાર્દિક પંડ્યાએ તાજેતરની ICC T20 ઓલરાઉન્ડરની રેન્કિંગમાં 4 સ્થાનની છલાંગ લગાવી છે. આ સાથે હાર્દિક હવે 216 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. હાલમાં ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટન પ્રથમ સ્થાને યથાવત છે. આ સિવાય નેપાળના દીપેન્દ્ર સિંહ એરી બીજા સ્થાને છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાનો માર્કસ સ્ટોઈનિસ હાર્દિકથી પાછળ ચોથા સ્થાને યથાવત છે.

જાડેજા પ્રથમ સ્થાને છે
રવિન્દ્ર જાડેજાએ બાંગ્લાદેશ સાથે રમાયેલી બે મેચની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ બેટ અને બોલ બંનેથી કમાલ કરી હતી. ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં જાડેજા નંબર વન પર યથાવત છે. જાડેજાના 468 રેટિંગ પોઈન્ટ છે. આ સિવાય આર અશ્વિન 358 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને યથાવત છે.
બુમરાહ હજુ પણ નંબર-1 પર યથાવત
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર બોલિંગ કરી હતી. જેનો ફાયદો બુમરાહને ICC ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં મળ્યો. હાલમાં બુમરાહ 870 રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે. યશસ્વી જયસ્વાલે પણ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેને ICC ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં 2 સ્થાનનો ફાયદો થયો છે. હાલમાં જયસ્વાલ 792 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.