- ICC ટેસ્ટ રેન્કિંગમાં કેન વિલિયમ્સને ટોપનું સ્થાન ગુમાવ્યું
- ટેસ્ટમાં જો રૂટે તેનું નંબર 1 રેન્કિંગ પાછું મેળવી લીધું છે
- વર્તમાન બેટ્સમેનોમાં જો રૂટ સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડી છે
ICC ટેસ્ટ રેન્કિંગમાં લાબા સમયથી રાજ કરી રહેલા ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન કેન વિલિયમ્સને પોતાનું ટોપનું સ્થાન ગુમાવ્યું છે. હવે જો રૂટ વિલિયમ્સનને પાછળ છોડીને ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં કિંગ બની ગયો છે. ઈંગ્લેન્ડના આ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો રૂટે વેસ્ટ ઈન્ડિઝ સામે 3 મેચમાં 291 રન બનાવ્યા હતા.જેમાં તેણે એક સદી પણ ફટકારી હતી. આ રીતે જો રૂટે તેનું નંબર-1 રેન્કિંગ સ્થાન પાછું મેળવી લીધું છે. જો રૂટ 2015માં વિશ્વનો નંબર-1 ટેસ્ટ બેટ્સમેન બન્યો હતો.
જો રૂટને સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડી
વર્તમાન બેટ્સમેનોમાં જો રૂટને સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડી માનવામાં આવે છે. આ ખેલાડીએ ટેસ્ટમાં 12 હજાર રનને પાર કરી ગયો છે. તેની બેટિંગ એવરેજ 50થી વધુ છે. તેણે 32 ટેસ્ટ સદી ફટકારી છે અને તેના નામે 63 ફિફ્ટી પણ સામેલ છે. આ સિવાય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન પણ તેના નામે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ સદી પણ જો રૂટના નામે છે.
રોહિત શર્માને પણ થયો ફાયદો
ICC ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને પણ ફાયદો થયો છે. રોહિત શર્મા એક સ્થાનના ફાયદા સાથે સાતમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે વિરાટ કોહલી 10માં નંબર પર છે. યશસ્વી જયસ્વાલ પણ ટોપ 10 રેન્કિંગમાં યથાવત છે. જયસ્વાલનું ટેસ્ટ રેન્કિંગ 8 છે.
T20 રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલે લગાવી છલાંગ
T20 રેન્કિંગની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલે પણ છલાંગ લગાવી છે. આ ખેલાડી ટોપ 5માં પ્રવેશી ગયો છે. જયસ્વાલે 2 બેટ્સમેનોને પાછળ છોડીને 4 નંબરનું સ્થાન હાંસલ કર્યું છે. આ ખેલાડીએ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન બંનેને પાછળ છોડ્યા છે. જ્યારે શ્રીલંકા સામેની T20 સિરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બનેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને યથાવત છે. ODI ફોર્મેટની વાત કરીએ તો શુભમન ગિલ બીજા સ્થાને, વિરાટ કોહલી ત્રીજા સ્થાને અને રોહિત શર્મા ચોથા સ્થાન પર છે.