- ICCએ ટેસ્ટ ક્રિકેટમાં નવીનતમ રેન્કિંગ જાહેર કરી
- યશસ્વી જયસ્વાલ સહિત ટોપ-10માં 3 ભારતીય
- કેન વિલિયમસન 859 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે
ICCએ ટેસ્ટ ક્રિકેટમાં નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જો ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલની વાત કરીએ તો આઈસીસી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં જયસ્વાલે મોટો ફાયદો થયો છે. જયસ્વાલે ઈંગ્લેન્ડ સાથે રમાયેલી 5 ટેસ્ટ મેચની સીરિઝમાં ખૂબ જ ખતરનાક બેટિંગ કરી હતી. જયસ્વાલ આ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ હતો. આ સીરિઝમાં જયસ્વાલે બે શાનદાર બેવડી સદી પણ ફટકારી હતી. જયસ્વાલને હવે આઈસીસી રેન્કિંગમાં આ શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે.
જયસ્વાલની સાથે વધુ બે ભારતીય ટોપ-10માં
ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ 740 પોઈન્ટ સાથે આઠમા સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા 751 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે જ્યારે વિરાટ કોહલી 737 પોઈન્ટ સાથે નવમા સ્થાન પર છે. આ સિવાય ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન 859 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે જો રૂટ બીજા સ્થાને અને પાકિસ્તાનનો બાબર આઝમ ત્રીજા સ્થાને યથાવત છે.
જયસ્વાલે ઈંગ્લેન્ડ સીરિઝમાં કરી કમાલ
તાજેતરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ હતી. જે ટીમ ઈન્ડિયાએ 4-1થી જીતી હતી. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બાકીની તમામ મેચોમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને જીત મેળવી. આ સિરીઝમાં જયસ્વાલના બેટિંગમાં કમાલ કરી હતી. જયસ્વાલ 2 બેવડી સદી સાથે સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો. આ પહેલા યશસ્વી જયસ્વાલને ICC તરફથી બીજી મોટી ભેટ મળી હતી. જયસ્વાલને ICC ‘પ્લેયર ઓફ ધ મંથ’ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.
જયસ્વાલ ઉપરાંત ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ રેન્કિંગમાં મોટો ફાયદો કર્યો છે. રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પણ શાનદાર બેટિંગ કરી હતી અને બે સદી પણ ફટકારી હતી. રોહિતે ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં 5 સ્થાનની છલાંગ લગાવી છે.