• T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન
  • પાકિસ્તાન સુપર 8 માટે પણ ક્વોલિફાય કરી શકી ન હતી
  • ઈમાદે ભારત સામેની હાર માટે પોતાને જવાબદાર ગણાવ્યો

બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાનની ટીમે T20 વર્લ્ડકપ 2024માં ખૂબ જ શરમજનક પ્રદર્શન જોયું જેમાં તે સુપર 8 માટે પણ ક્વોલિફાય કરી શકી ન હતી. એક તરફ પાકિસ્તાનની ટીમ સતત આલોચનાનો સામનો કરી રહી છે તો બીજી તરફ PCBએ પણ ટીમમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે. હવે આ બધાની વચ્ચે પહેલીવાર પાકિસ્તાન ટીમ તરફથી ખરાબ પ્રદર્શનને લઈને પ્રતિક્રિયા સામે આવી છે. પાકિસ્તાની ટીમના ઓલરાઉન્ડર ખેલાડી ઈમાદ વસીમે સ્વીકાર્યું છે કે પાકિસ્તાની ટીમે ભૂલો કરી છે જેના કારણે તે આ વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે.

આખી ટીમે પ્રદર્શન કર્યું નથી

પાકિસ્તાનની ટીમે હજુ 16 જૂને આયર્લેન્ડ સામે T20 વર્લ્ડકપ 2024માં ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમવાની છે, પરંતુ તે પહેલા જ ટીમ સુપર 8માંથી બહાર થઈ ગઈ છે. હવે આ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન ટીમના ઓલરાઉન્ડર ખેલાડી ઈમાદ વસીમે ટીમના પ્રદર્શનને લઈને પોતાના નિવેદનમાં કહ્યું કે આખી ટીમે પ્રદર્શન કર્યું નથી અને તેના માટે અમે જવાબદાર છીએ. પરંતુ કદાચ પાકિસ્તાન ક્રિકેટ માટે આ બહુ મોટી વાત છે, તેથી તેને મોટા ફેરફાર તરીકે પણ જોવું જોઈએ. એક વાત હું પણ કહેવા માંગીશ કે અમે પણ માણસો છીએ. અમારાથી પણ ભૂલો થઈ શકે અને તેના કારણે અમે દુ:ખી પણ છીએ.

ભારત સામેની હાર માટે પોતાને જવાબદાર ગણાવ્યો

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈમાદ વસીમે ભારત સામેની મેચમાં મળેલી હારને લઈને એક નિવેદન પણ આપ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે મેં તે મેચમાં મારા પ્રદર્શનથી બધાને નિરાશ કર્યા હતા અને મને હંમેશા તેનો અફસોસ રહેશે. આવી પરિસ્થિતિઓમાં, હું ઘણીવાર મારી જાતને શાંત રાખું છું અને મેચ પૂરી કર્યા પછી પાછો આવું છું અને ભારત સામેની મેચમાં પણ આવું કરવાની જવાબદારી મારી હતી, પરંતુ હું આમ કરવામાં સફળ ન થઈ શક્યો.

  • Follow us on: