- IPL 2024 ની 9મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ
- દિલ્હીના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ અને ચોથા અમ્પાયર વચ્ચે વિવાદ થયો
- આ વિવાદના કારણે મેચ બે વખત રોકવી પડી હતી
IPL 2024 ની 9મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. રાજસ્થાને આ મેચ 12 રને જીતી લીધી હતી, પરંતુ આ જીત આસાન નહોતી. મેચ દરમિયાન દિલ્હીના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ અને ચોથા અમ્પાયર વચ્ચે વિવાદ થયો હતો. આ કારણે મેચ બે વખત રોકવી પડી હતી. આ વિવાદને કારણે મેચ ચર્ચામાં આવી ગઈ છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમ્પાયર અને રિકી પોન્ટિંગ એકબીજા સાથે ઝઘડતા જોવા મળે છે.
અમ્પાયર અને હેડ કોચ વચ્ચે ક્યારે થયો વિવાદ?
આ વિવાદ RR અને DC વચ્ચેની મેચ દરમિયાન થયો હતો જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ બેટિંગ કરી રહી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને સ્કોર બોર્ડ પર 185 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં દિલ્હીને જીતવા માટે 186 રનની જરૂર હતી. જ્યારે ઇનિંગ્સનો બ્રેક આવ્યો ત્યારે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ઝડપી બોલર નાદ્રે બર્ગરને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે બોલાવ્યો. રાજસ્થાનની ટીમ પહેલાથી જ 3 વિદેશી ખેલાડીઓ સાથે બેટિંગ કરવા મેદાનમાં આવી હતી. હવે હેટમાયરની જગ્યાએ બર્ગરને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બોલાવવામાં આવ્યો. નિયમો અનુસાર, કોઈપણ ટીમ વિદેશી ખેલાડીને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ત્યારે જ રમી શકે છે જ્યારે ટીમ પ્લેઈંગ ઈલેવનમાં 3 વિદેશી ખેલાડીઓને મેદાનમાં ઉતારે છે. અત્યાર સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ રાજસ્થાને રોવમેન પોવેલને ફિલ્ડિંગ માટે બોલાવતાની સાથે જ વિવાદની શરૂ થઈ ગઈ હતી.
શું હતો પુરો મામલો?
દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે રોવમેન પોવેલને મેદાનમાં ફિલ્ડિંગ કરતો જોઇ આરોપ લગાવ્યો કે તે આ મેચમાં 5માં વિદેશી ખેલાડી તરીકે રમવા આવ્યો છે, આવું કેવી રીતે થઈ શકે. પછી થયું એવું કે એક તરફ પોન્ટિંગ ગુસ્સે થઈ ગયો હતો. બીજી તરફ મેદાન પર રમી રહેલા દિલ્હીના ખેલાડીઓ પણ અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યા અને સવાલો ઉઠાવવા લાગ્યા. પોન્ટિંગે ચોથા અમ્પાયરને આ અંગે ફરિયાદ પણ કરી હતી, તેમ છતાં પોવેલને મેદાનમાં આવવા દેવામાં આવ્યો હતો.
આ દરમિયાન મેચને લાંબા સમય સુધી રોકવી પડી હતી. બે બોલ પછી, ચોથો અમ્પાયર પોતે પોન્ટિંગ પાસે આવ્યો અને તેને સમજાવ્યું કે પોવેલ કયા નિયમ હેઠળ મેદાન પર હતો. અમ્પાયરે કહ્યું કે પોવેલ માત્ર અવેજી તરીકે મેદાન પર આવ્યો છે, કારણ કે હેટમાયર ડગ આઉટમાં બેઠો છે. અમ્પાયરે કહ્યું કે પોવેલ બોલિંગ નહીં કરે, તે માત્ર ફિલ્ડિંગ કરશે, ત્યારબાદ જ મામલો શાંત થયો.