• કેમેરોન ગ્રીન સંપૂર્ણ રીતે ફિટ, આગામી મેચમાં રમશે
  • લગભગ બે મહિના પછી ટીમમાં વાપસી કરશે કેમેરોન ગ્રીન
  • ગ્રીન બેટિંગ-બોલિંગમાં બંનેમાં કમાલ કરવાની ક્ષમતા ધરાવે છે

ભારતના પ્રવાસ પર ખેલાડીઓની ઈજાનો સામનો કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ હવે પછીની મેચ રમવા માટે હવે વધુ જોશ સાથે તૈયારી કરશે, કારણકે ટીમનો ખતરનાક ઓલરાઉન્ડર ખેલાડી બે મહિના બાદ સંપૂર્ણ ફિટ થઈ ટીમમાં વાપસી કરવા તૈયાર છે અને ટીમ બમણા જુસ્સા સાથે મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.


કેમેરોન ગ્રીન ફિટ, ટીમમાં વાપસી માટે તૈયાર

ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર કેમરન ગ્રીન હવે સ્વસ્થ થઈ ગયો છે. અહેવાલ છે કે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને આગામી મેચમાં રમશે. તેને આંગળીમાં ઈજા થઈ હતી, તેથી તે લાંબા સમયથી બહાર હતો, પરંતુ હવે ઈજા ઠીક થઇ ગઈ છે અને તે બેટિંગની સાથે બોલિંગ પણ કરી શકશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટ પહેલા તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો, પરંતુ તે પછી પણ ટીમે તેને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી ન હતી અને તે બેન્ચ પર જ રહ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ બધું સાવચેતીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. છેલ્લા બે અઠવાડિયા કેમરન માટે સારા રહ્યા છે અને આ દરમિયાન તેણે ઘણો આત્મવિશ્વાસ મેળવ્યો છે. એટલે કે હવે લગભગ નક્કી થઈ ગયું છે કે તે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરવા જઈ રહ્યો છે, જોકે આખરી નિર્ણય ત્યારે જ લેવામાં આવશે જ્યારે કેપ્ટન સ્ટીવ સ્મિથ ત્રીજી ટેસ્ટ માટે ટોસ માટે 1 માર્ચે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં આવશે.


બે મહિના પછી ટીમમાં વાપસી

ઓસ્ટ્રેલિયાની ટીમે રાહતનો શ્વાસ લીધો હશે કારણ કે ટીમ પહેલાથી જ ટીમ શ્રેણીમાં પાછળ છે અને ઘણા ખેલાડીઓ ટીમની બહાર છે. કેમેરોન ગ્રીન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે અને જરૂર પડે ત્યારે ટીમ માટે બોલિંગમાં કમાલ કરવાની ક્ષમતા ધરાવે છે. ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં માત્ર એક જ ફાસ્ટબોલરને મેદાનમાં ઉતાર્યો હતો, અને તે એકમાત્ર ઝડપી બોલર કેપ્ટન પેટ કમિન્સ હતો. એવા સમાચાર છે કે પેટ કમિન્સની ગેરહાજરીમાં મિચેલ સ્ટાર્ક આગામી મેચમાં રમશે, એટલે કે ઓસ્ટ્રેલિયા બે ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરશે. કેમરૂન ગ્રીને તેની છેલ્લી ટેસ્ટ મેચ ગયા વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. ત્યારથી ટીમની બહાર ચાલી રહ્યો છે. તે મેચમાં તેણે દસ ઓવરમાં પાંચ વિકેટ ઝડપી હતી. સાથે જ 51 રનની અણનમ ઇનિંગ રમી હતી. એટલે કે લગભગ બે મહિના પછી તે પાછો આવી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે ઓસ્ટ્રેલિયા પ્લેઈંગ ઈલેવનને લઈને શું નિર્ણય લે છે.


ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં 0-2થી પાછળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી હવે હાફવે પોઈન્ટ પર પહોંચી ગઈ છે, એટલે કે ચાર મેચોની શ્રેણીની બે મેચ રમાઈ છે અને બે બાકી છે. ટીમ ઈન્ડિયાએ બંને મેચ જીતીને પોતાની લીડ જાળવી રાખી છે. હજુ બે મેચ બાકી છે, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ટીમનો કેપ્ટન પેટ કમિન્સ ત્રીજી ટેસ્ટમાંથી બહાર છે. બીજી ટેસ્ટ પછી પારિવારિક સમસ્યાઓના કારણે તે ઓસ્ટ્રેલિયા પાછો ગયો હતો, ત્યારબાદ એવી આશા હતી કે તે ત્રીજી ટેસ્ટ પહેલા પરત ફરશે, પરંતુ એવું થઈ રહ્યું નથી. હવે સમાચાર આવ્યા છે કે તે ત્રીજી ટેસ્ટમાં નહીં રમે. તેના સ્થાને સ્ટીવ સ્મિથ કેપ્ટનશિપ કરશે. આ એક સમસ્યા હતી, પરંતુ ટીમ તેના ઘણા ખેલાડીઓની ઈજાથી પણ પરેશાન છે. ડેવિડ વોર્નરથી લઈને જોશ હેઝલવુડ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવા માટે ઉપલબ્ધ નથી. જો કે હવે કાંગારુઓ માટે સારા અને રાહતના સમાચાર છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર કેમરન ગ્રીન ત્રીજી ટેસ્ટ પહેલા ફિટ થઈ ગયો છે અને માનવામાં આવે છે કે તે આગામી મેચની પ્લેઈંગ ઈલેવનમાં રમતા જોવા મળશે.

  • Follow us on: