- મહિલા T20 વર્લ્ડ કપમાંથી ભારત બહાર ફેંકાયું
- સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 રનથી હરાવ્યું
- BCCI સેક્રેટરી જય શાહે ટ્વિટ કરી મહિલા ટીમને આપ્યું સમર્થન
મહિલા T20 વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમને સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાની આ હારથી ભારતીય ચાહકોનું દિલ તૂટી ગયું હતું. આ હાર પર BCCI સેક્રેટરી જય શાહ મહિલા ભારતીય ટીમના સમર્થનમાં આવ્યા હતા. તેણે મહિલા ટીમ માટે હૃદય સ્પર્શી ટ્વિટ કર્યું હતું. જહા શાહે કહ્યું કે અમે તમારી સાથે ઉભા છીએ.
જય શાહનું હૃદય સ્પર્શી ટ્વિટ
મહિલા ભારતીય ટીમની આ હાર બાદ જય શાહે ટ્વિટ કર્યું કે, ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે મહિલા ટીમ ઈન્ડિયાની કપરી હાર, પરંતુ મેદાન પર અમારી છોકરીઓના જુસ્સા પર અમને ગર્વ થઈ શકે છે. ટીમે પોતાનું સર્વસ્વ આપ્યું અને બતાવ્યું કે તેઓ સાચા યોદ્ધાઓ છે. અમે તમારી સાથે ઉભા છીએ, વુમન ઇન બ્લુ!" જય શાહના આ ટ્વિટ પર ભારતીય ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પુરૂષોની ટીમ પણ સેમિફાઈનલમાંથી બહાર થઈ હતી
મહિલા ટીમ ઈન્ડિયાની જેમ જ પુરૂષ ભારતીય ટીમ પણ 2022 T20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મહિલા ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ચાહકોએ મહેન્દ્ર સિંહ ધોનીને યાદ કર્યો
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી સેમિફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર રનઆઉટ થઈને પેવેલિયન પરત ફરી હતી. હરમનપ્રીત કૌર સારી ઈનિંગ રમી રહી હતી અને ટીમને જીત તરફ લઈ જઈ રહી હતી, પરંતુ તે ઈનિંગની 15મી ઓવરમાં રનઆઉટ થઈ ગઈ હતી. તેનો રન આઉટ જોઈને ભારતીય ક્રિકેટ ચાહકોને 2019 ODI વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીનો રન આઉટ યાદ આવી ગયો. તે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ધોની ન્યુઝીલેન્ડ સામે સારી ઈનિંગ્સ રમી રહ્યો હતો, પરંતુ તેના રન આઉટના થવાના કારણે આખી મેચ પલટાઈ ગઈ અને ભારત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયુ હતું.