- ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી તૂટી ગયું
- સેમિફાઈનલમાં હાર બાદ હરમનપ્રીત કૌર રડતી જોવા મળી
- પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાને ગળે લગાવીને રડી પડી
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 રનથી હરાવ્યું. આ સાથે જ ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી તૂટી ગયું. આ કારણે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર ખૂબ જ દુઃખી દેખાતી હતી અને પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાને મળતાં જ રડવા લાગી હતી. આનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
હારનું દર્દ છુપાવવાનો કર્યો પ્રયાસ
ફરી એકવાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાંથી ખાલી હાથે પરત ફરશે. T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર નાદુરસ્ત તબિયત છતાં સેમિફાઇનલ મેચમાં જોવા મળી હતી અને તેણે અડધી સદી ફટકારી હતી. જો કે રન આઉટ થવાને કારણે તે ભારતને જીત અપાવી શકી ન હતી. તેણે આ હારનું દર્દ છુપાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો. તેથી જ મેચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન તે કાળા ચશ્મા પહેરીને પહોંચી હતી. પરંતુ, જ્યારે તેણીનો સામનો ભૂતપૂર્વ કેપ્ટન અંજુમ ચોપરા સાથે થયો, ત્યારે તે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકી નહીં અને તેને ગળે લગાવીને રડતી જોવા મળી. તે દરમિયાન હરલીન દેઓલ પણ કેપ્ટનને સાંત્વના આપતી જોવા મળી હતી.
ICCએ વીડિયો શેર કર્યો
ICCએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હરમનપ્રીત કૌર અને અંજુમ ચોપરા સાથે સંબંધિત શેર કર્યું છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હરમનપ્રીત અંજુમ ચોપડા સામે આવતાની સાથે જ પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકતી નથી અને તેને ગળે લગાવીને રડવા લાગે છે. બીજી તરફ T20 વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી માટે પહોંચેલી પૂર્વ ભારતીય પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાની હાલત પણ હરમનપ્રીત જેવી જ હતી.
હરમનપ્રીત અંજુમ ચોપરાને ગળે લગાવીને રડી પડી
આ વીડિયોમાં અંજુમ ચોપરા પણ પોતાના આંસુ રોકવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. જ્યારે અંજુમને હરમનપ્રીત કૌર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, “મારો ઈરાદો મારા કેપ્ટન પ્રત્યે સહાનુભૂતિ રાખવાનો હતો. કારણ કે બહારથી હું એટલું જ આપી શકું છું. તે તેના અને મારા બંને માટે ભાવનાત્મક ક્ષણ હતી. કારણ કે ભારતીય ટીમને ઘણી વખત મોટી ટુર્નામેન્ટમાં સેમિ ફાઈનલમાં હારનો સામનો કરવા પડ્યો છે. મેં તેની આવી બેટિંગ પણ પહેલીવાર જોઈ છે. મેં અગાઉ પણ જોયું છે કે હરમનપ્રીતે તેની ઈજા અને તબિયત સાથે સંઘર્ષ કરતી વખતે કેવી સંઘર્ષમય ક્રિકેટ રમે છે.

હરમનપ્રીત ફાઈટર ખેલાડી છે: અંજુમ
અંજુમે આ વીડિયોમાં આગળ કહ્યું, “કદાચ આજે હરમનપ્રીત કૌર રમી પણ ના હોત. તેની તબિયત ખરાબ હતી. જોકે વર્લ્ડ કપની સેમિફાઇનલ હતી અને હું જાણું છું કે હરમનપ્રીત પીછેહઠ કરનારી ખેલાડી નથી અને તેણે એવું જ કર્યું. પહેલા 20 ઓવર ફિલ્ડિંગ કરી, ત્યારેબાદ લડાયક ઇનિંગ રમી અડધી સદી પણ ફટકારી હતી અને ભારતની આશાને અંત સુધી જાળવી રાખી હતી. તેને જેમિમા રોડ્રિગ્સનો પણ સપોર્ટ મળ્યો હતો. ભારત આ મેચ 5 રનથી હારી ગયું હતું. પરંતુ જે રીતે ભારત આટલું નજીક આવ્યું અને હારી ગયું. હું સમજી શકું છું કે તેના હૃદયમાં શું પસાર થતું હશે.