- રોમાંચક સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર
- ઓસ્ટ્રેલિયા વિમેન્સ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ્યું
- કેપ્ટન હરમનપ્રીત કૌરના લડાયક 52 રન
મહિલા T20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 રને હરાવ્યું હતું. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં ક્વોલિફાઈ થયું હતું જ્યારે ટીમ ઇન્ડિયા બહાર ફેંકાયું હતું.
હરમનપ્રીત-જેમિમાની લડાયક બેટિંગ
સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો હતો જેની સામે ટીમ ઈન્ડિયા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 167 રન જ કરી શકી હતી. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પહેલી ચાર ઓવરમાં જ ભારતની 3 વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સે બાજી સાંભળી હતી. બન્ને વચ્ચે 69 રનની પાર્ટનરશિપ થઈ હતી. 11મી ઓવરમાં 43 રને જેમિમા અને 15મી ઓવરમાં 52 રને હરમનપ્રીત આઉટ થઇ હતી. અંતિમ ઓવરમાં ભારતને મેચ જીતવા 16 રનની જરૂર હતી, તેની સામે ટીમ ઇન્ડિયા માત્ર 10 રન જ બનાવી શકી હતી અને ઓસ્ટ્રેલિયાએ મુકાબલો 5 રનથી જીતી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડાર્સી બ્રાઉન અને એશ્લે ગાર્ડનરને 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે મીગન શટ અને જેસ જોનાસનને 1-1 વિકેટ મળી હતી.
ભારતને જીતવા 173 રનનો ટાર્ગેટ
દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાયેલ વિમેન્સ T20 વર્લ્ડ કપની પહેલી સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 172 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મૂનીએ 37 બોલમાં 54, મેગ લેનિંગે 34 બોલમાં 49 રન અને એશ્લે ગાર્ડનરે 18 બોલમાં 31 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયા તરફથી શિખા પાંડેએ 2 જ્યારે દીપ્તિ શર્મા અને રાધા યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી
મહિલા T20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. મેચ પહેલા બંને દેશની કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં ઓસ્ટ્રેલિયાની સુકાનીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
બંને ટીમની પ્લેઇંગ 11:
ઓસ્ટ્રેલિયા:
એલિસા હીલી (વિકેટકીપર), બેથ મૂની, મેગ લેનિંગ (કેપ્ટન), એશલે ગાર્ડનર, એલિસ પેરી, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, જ્યોર્જિયા વેરહેમ, જેસ જોનાસેન, મેગન શુટ, ડાર્સી બ્રાઉન
ટીમ ઇન્ડિયા:
શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા, સ્નેહ રાણા, શિખા પાંડે, રાધા યાદવ, રેણુકા ઠાકુર સિંહ