• ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 114 રને હરાવી વર્લ્ડ કપમાંથી કર્યું બહાર
  • દ.આફ્રિકાએ બાંગ્લાદેશને 10 વિકેટે હરાવી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું
  • 23 ફેબ્રુઆરીએ પહેલી સેમિફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયાનો મુકાબલો

ICC T20 મહિલા વર્લ્ડ કપ 2023 સિઝનમાં પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સામે 114 રનથી હારીને બહાર થઈ ગઈ છે. જ્યારે આ પરિણામ બાદ ભારતીય ટીમની સેમિફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે નક્કી થઈ ગઈ છે.

સેમિફાઈનલમાં ભારત- ઓસ્ટ્રેલિયા ટકરાશે

દક્ષિણ આફ્રિકામાં રમાય રહેલ ICC T20 મહિલા વર્લ્ડ કપની ચાર સેમિફાઇનલિસ્ટ ટીમો નક્કી થઇ ગઈ છે. ઈંગ્લેન્ડ ટોપ પર રહીને ગ્રુપ-2માંથી ક્વોલિફાય થયું છે અને ભારતીય ટીમ બીજા નંબરે છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ-1માંથી ટોપ પર જગ્યા બનાવી લીધી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા નંબર પર રહી સેમિફાઈનલમાં ક્વોલિફાય કરવામાં સફળ રહી છે.


ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 114 રને હરાવ્યું

પાકિસ્તાનની હાર સાથે જ ભારતીય ટીમની સેમિફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે નક્કી થઈ ગઈ છે. આ ટક્કર 23 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં થશે. ઇંગ્લેન્ડે તેની છેલ્લી મેચમાં પાકિસ્તાનને 114 રને હરાવ્યું હતું.

ચોથી ટીમ માટે ત્રણ ટીમો વચ્ચે થઇ ટક્કર

ગ્રુપ-1માંથી બીજી ટીમ માટે ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જંગ હતો. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં 10 વિકેટથી જીત મેળવીને આફ્રિકન ટીમ 4 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. આ ગ્રુપમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાના પણ 4-4 પોઈન્ટ હતા. પરંતુ વધુ સારા નેટ રન રેટ સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. હવે દક્ષિણ આફ્રિકાની ટીમ 24 ફેબ્રુઆરીએ સેમિફાઇનલમાં ગ્રુપ-2ની ટોપર ઇંગ્લેન્ડની ટીમ સામે ટકરાશે.

પ્રથમ સેમિફાઇનલ

ભારત Vs ઓસ્ટ્રેલિયા - 23 ફેબ્રુઆરી - કેપ ટાઉન

બીજી સેમિફાઇનલ

ઇંગ્લેન્ડ Vs દક્ષિણ આફ્રિકા - 24 ફેબ્રુઆરી - કેપ ટાઉન


ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા નબળી

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ T20 રેકોર્ડ જોવામાં આવે તો ભારતીય ટીમ નબળી જોવા મળી રહી છે. બંને ટીમો વચ્ચેની છેલ્લી પાંચ મેચમાં કાંગારૂ ટીમે 4 વખત જીત મેળવી છે જ્યારે ભારતીય ટીમ માત્ર એક જ મેચમાં જીત મેળવી શકી હતી. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ત્રણ મેચમાં સતત હાર્યું છે. આવી સ્થિતિમાં હરમનપ્રીત કૌરની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ આ વખતે પણ દબાણમાં જોવા મળી શકે છે.

ભારતીય મહિલા ટીમઃ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે.

રિઝર્વ પ્લેયર: એસ. મેઘના, સ્નેહ રાણા અને મેઘના સિંહ.

  • Follow us on: