- છેલ્લી ગ્રુપ મેચમાં ભારતે આયર્લેન્ડને ડકવર્થ-લુઈસ પદ્ધતિથી હરાવ્યું
- આ પહેલા 2009, 2010, 2018, 2020માં ટીમ સેમિફાઈનલમાં પહોંચી હતી
- સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે ટક્કર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા વુમન્સ T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. ભારત પાંચમી વખત સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. આ પહેલા ટીમ 2009, 2010, 2018 અને 2020માં સેમિફાઈનલમાં પહોંચી હતી. વર્ષ 2020માં ટીમ ઈન્ડિયા રનર્સ અપ રહી હતી અને તેને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પરાજય આપ્યો હતો. હવે સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે જ થશે.

ગ્રુપમાં બીજા નંબરે રહી ટીમ ઇન્ડિયા
T20 વર્લ્ડ કપના ગ્રુપ મુકાબલાઓમાં ત્રણ જીત અને એક હાર સાથે ટીમ ઇન્ડિયા બીજા કર્મે રહી હતી. પ્રથમ ક્રમે ત્રણ મેચમાં ત્રણ જીત સાથે ઇંગ્લેન્ડની ટીમ પહેલા જ સેમિ ફાઈનલમાં ક્વોલિફાય કરી ચૂકી હતી. ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ +0.290નો રહ્યો હતો. આ સિવાય ગ્રુપ-Bમાંથી વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી
સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટક્કર
ગ્રુપ B માંથી ઈંગ્લેન્ડ અને ભારતની જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે સેમિ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે. આ પહેલા વર્ષ 2020ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ જ ભારતીય ટીમને જ હરાવી ચેમ્પિયનશિપ જીતી હતી. એવામાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો આ સેમિ ફાઈનલ મુકાબલો ભારે રસપ્રદ રહેશે તેવી શક્યતા છે.

ડકવર્થ-લુઈસ નિયમથી આયર્લેન્ડને હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજના અંતિમ મુકાબલામાં આયર્લેન્ડને ડકવર્થ-લુઈસ નિયમથી પાંચ રને હરાવ્યું હતું અને સેમિ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 155 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 87 રન રન ફટકાર્યા હતા. આ તેની T20 ઈન્ટરનેશનલની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ હતી. આયર્લેન્ડની ઇનિંગ દરમિયાન વરસાદ શરૂ થયો હતો જેના કારણે મેચ રોકવામાં આવી હતી. રમત બંધ થઈ ત્યાં સુધીમાં આયર્લેન્ડે 8.2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 54 રન કર્યા હતા. જે બાદ વરસાદ બંધ ના થતા ડકવર્થ-લુઈસ પદ્ધતિથી આયર્લેન્ડ પાંચ રન પાછળ હોવાથી ટીમ ઈન્ડિયાને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને તેની દમદાર ઇનીગ્ન માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવી હતી.