ભારતે ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રનના વિશાળ અંતરથી હરાવ્યું. આ રીતે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને ટેસ્ટ અને ટી-20 મેચમાં હરાવ્યું. ભારત સામેના સમગ્ર પ્રવાસ દરમિયાન બાંગ્લાદેશના ખેલાડીઓ લાચાર દેખાતા હતા. પરિણામે બાંગ્લાદેશની ટીમ આ પ્રવાસમાં જીત માટે ઝંખતી હતી. હૈદરાબાદ T20 મેચમાં હાર બાદ બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન લિટન દાસ ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરને મળ્યો હતો. આ દરમિયાન લિટન દાસ અને ગૌતમ ગંભીર વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી, પરંતુ હવે ક્રિકેટ ચાહકો જાણવા માંગે છે કે બંને વચ્ચે શું વાતચીત થઈ?
લિટન દાસ અને ગૌતમ ગંભીર વચ્ચે શું થઈ હતી વાતચીત?
લિટન દાસ અને ગૌતમ ગંભીરની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બંનેના ફોટા અને વિડિયો જોઈને લાગે છે કે લિટન દાસે ગૌતમ ગંભીર પાસે પોતાની રમત સુધારવા માટે ટિપ્સ માંગી હતી. જે બાદ ટીમ ઈન્ડિયાના કોચ લિટન દાસને મહત્વની વાતો કહેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન લિટન દાસ ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીરની વાત ધ્યાનથી સાંભળી રહ્યો છે. લિટન દાસ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ કેમ્પનો હિસ્સો રહી ચૂક્યો છે. તેથી, લિટન દાસ અને ગૌતમ ગંભીર વચ્ચેનું બોન્ડિંગ પહેલેથી જ સારું માનવામાં આવે છે.
હૈદરાબાદમાં ભારતે બનાવ્યો રેકોર્ડ સ્કોર
તમને જણાવી દઈએ કે ત્રીજી T20 મેચમાં ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 297 રનનો રેકોર્ડ સ્કોર બનાવ્યો હતો. આ T20 ફોર્મેટમાં કોઈપણ ટેસ્ટ રમી રહેલા દેશનો સર્વોચ્ચ સ્કોર છે. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ નેપાળના નામે છે. નેપાળે મંગોલિયા સામે 20 ઓવરમાં 314 રન બનાવ્યા હતા. હૈદરાબાદ T20 મેચની વાત કરીએ તો ભારતના 297 રનના જવાબમાં બાંગ્લાદેશ 20 ઓવરમાં 7 વિકેટે 164 રન બનાવી શકી હતી. આ રીતે ભારતીય ટીમે 133 રનના મોટા માર્જિનથી જીત મેળવી હતી.