ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં રમાઈ હતી. ભારતે આ મેચ 280 રને જીતી લીધી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ બે મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આર અશ્વિન ટીમ ઈન્ડિયા માટે હીરો સાબિત થયો છે. તેણે ખૂબ જ જોરદાર પરફોર્મન્સ આપ્યું છે. તેણે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં 69 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
અશ્વિને 69 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
આર અશ્વિને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં 5 વિકેટ ઝડપનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય બની ગયો છે. તેણે 38 વર્ષ અને 2 દિવસની ઉંમરે ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી છે. તેણે વિનુ માંકડનો 69 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. વિનુ માંકડે 1955માં પાકિસ્તાન સામે પેશાવર ટેસ્ટમાં 5 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેમની ઉંમર 37 વર્ષ 306 દિવસ હતી.
આર અશ્વિને બોલિગમાં મચાવી તબાહી
પ્રથમ દાવમાં સદી ફટકાર્યા બાદ આર અશ્વિને બીજી ઈનિંગમાં બોલ સાથે હલચલ મચાવી દીધી હતી. બીજી ઇનિંગમાં તેની સ્પિન સામે બાંગ્લાદેશી બેટ્સમેનો કંઈ કરી શક્યા ન હતા. વિરોધી ટીમના બેટ્સમેનો તેની સામે રન બનાવવા માટે તડપતા જોવા મળ્યા હતા. બીજી મેચમાં તેણે 21 ઓવરમાં 88 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જાડેજાએ પણ તેને બોલિંગમાં સાથ આપ્યો હતો. જાડેજાએ બીજા દાવમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
જાડેજા અને અશ્વિને કર્યો કમાલ
બાંગ્લાદેશ સામે પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયાએ 144 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા 200 રન પણ બનાવી શકશે નહીં. પરંતુ ત્યારબાદ અશ્વિન અને જાડેજાએ ચાર્જ સંભાળ્યો હતો. બંનેએ સાતમી વિકેટ માટે 199 રન જોડ્યા હતા. આ દરમિયાન અશ્વિને 113 રન અને જાડેજાએ 86 રનની ઇનિંગ રમી હતી. આ બંનેની ઇનિંગ્સના કારણે ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 376 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.