ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના ચેપોકમાં રમાઈ હતી. આ મેચ 280 રને જીતીને ભારતીય ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં આર અશ્વિને બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. અશ્વિને પહેલા બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી, પછી બોલિંગ કરીને બાંગ્લાદેશના બેટ્સમેનોને હરાવી દીધા. અશ્વિને ચેન્નાઈ ટેસ્ટમાં શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા છે.
5 વિકેટ લેનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય બોલર
આર અશ્વિને ચેન્નાઈ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. હવે અશ્વિન ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 5 કે તેથી વધુ વિકેટ લેનારો સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી બની ગયો છે. અશ્વિને ત્રીજા દિવસે 4 વિકેટ ઝડપી હતી. આ પછી ચોથા દિવસના પ્રથમ સેશનમાં અશ્વિને બે વિકેટ ઝડપી હતી. ચોથા દિવસે એવું જોવા મળ્યું કે કેપ્ટન રોહિત શર્માએ મોડેથી બોલ અશ્વિનને આપ્યો. પરંતુ અશ્વિન આવતાની સાથે જ છવાઈ ગયો હતો.
આ કારનામું કરનારો વિશ્વનો બીજો ખેલાડી બન્યો અશ્વિન
રવિ અશ્વિને પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. જ્યારે બાંગ્લાદેશની બીજી ઇનિંગમાં રવિ અશ્વિને 6 વિકેટ ઝડપી હતી. આ ચોથી વખત છે જ્યારે રવિ અશ્વિને ટેસ્ટમાં સદી ફટકારવા સિવાય 5 વિકેટ પોતાના નામે કરી હોય. રવિ અશ્વિન એક જ ટેસ્ટમાં સદી અને 5 વિકેટ ઝડપનાર ખેલાડીઓની યાદીમાં બીજા નંબર પર બની ગયો છે. આ યાદીમાં ઈંગ્લેન્ડનો પૂર્વ ઓલરાઉન્ડર ઈયાન બોથમ પ્રથમ નંબરે છે.
પ્રથમ સ્થાને ઈયાન બોથમ
ઈયાન બોથમે આ સિદ્ધિ 5 વખત નોંધાવી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ દિગ્ગજ ગેરી સોબર્સ, પાકિસ્તાનના મુશ્તાક મોહમ્મદ, દક્ષિણ આફ્રિકાના જેક કાલિસ, બાંગ્લાદેશના શાકિબ અલ હસન અને ભારતના રવિન્દ્ર જાડેજાએ બે-બે વાર આ કારનામું કર્યું છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 750 વિકેટ
ચેન્નાઈ ટેસ્ટ મેચમાં અશ્વિનને પ્રથમ દાવમાં કોઈ વિકેટ મળી ન હતી. પરંતુ બીજી ઈનિંગમાં અશ્વિને ધમાકેદાર વિકેટો ઝડપી હતી. અશ્વિને બીજી ઈનિંગમાં 6 વિકેટ લઈને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 522 વિકેટ પૂરી કરી હતી. હવે અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 750 વિકેટ ઝડપી છે. જેમાં અશ્વિને વનડેમાં 156 અને ટી20માં 72 વિકેટ ઝડપી છે.
ભારત માટે સૌથી વધુ 5 વિકેટ
આર અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વખત 5 વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. અશ્વિને મેચ દરમિયાન 37 વખત ભારત માટે 5 કે તેથી વધુ વિકેટ લીધી છે. આ સિવાય અશ્વિન સૌથી ઝડપી 250, 300 અને 350 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે.
ભારત માટે ચોથી ઇનિંગમાં સૌથી વધુ વિકેટ
- 99 આર અશ્વિન
- 94 અનિલ કુંબલે
- 60 બિશન બેદી
- 54 ઈશાંત શર્મા/રવીન્દ્ર જાડેજા