સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ હૈદરાબાદમાં બાંગ્લાદેશને 133 રને હરાવીને સિરીઝ 3-0થી વ્હાઇટવોશ કરી હતી. મેચમાં ભારતે પહેલા રમતા સંજુ સેમસનની સદીના આધારે 297 રન બનાવ્યા હતા જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 164 રન જ બનાવી શકી હતી અને 133 રનથી મેચ હારી ગઈ હતી. આ એકતરફી હાર બાદ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટીમના ભરપૂર વખાણ કર્યા છે. તેમણે સિરીઝ જીતનાર ટીમની ટ્રોફી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેના કેપ્શનમાં ગંભીરે કહ્યું, 'એક શાનદાર સફર.' તેની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.


સેમસન-સૂર્યકુમારનું શાનદાર પ્રદર્શન

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને જલ્દી જ પહેલો ઝટકો અભિષેક શર્માના રૂપમાં લાગ્યો હતો. પરંતુ આ પછી સંજુ સેમસન (47 બોલમાં 111 રન) અને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ (35 બોલમાં 75 રન) વચ્ચે 70 બોલમાં 173 રનની ભાગીદારી થઈ હતી. આ ઇનિંગ્સના આધારે ભારતે T-20 ઇન્ટરનેશનલમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. મંગોલિયા સામે નેપાળના 314/3 પછી આ બીજો સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય સ્કોર પણ છે.


સેમસને ફટકારી સૌથી ઝડપી ફિફ્ટી

આ ઇનિંગના આધારે સેમસને 22 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી, જે બાંગ્લાદેશ સામે ભારતીય બેટ્સમેને બનાવેલી સૌથી ઝડપી ફિફ્ટી પણ છે. રિશાદ હુસૈનને નિશાન બનાવતા તેણે એક જ ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી. તેના સિવાય સૂર્યકુમારે માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.


ભારતે આપેલા વિશાળ લક્ષ્યાંકના જવાબમાં બાંગ્લાદેશની ટીમ ક્યારેય મેચ જીતવાની સ્થિતિમાં નહોતી. ટીમ તરફથી તૌહીદ હૃદયે સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોમાં રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં 30 રન આપીને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.


  • Follow us on: