- T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો વિજયરથ ચાલું
- સુપર 8ના મુકાબલામાં ભારતની બાંગ્લાદેશ સામે જીત
- સર વિવ રિચર્ડસે ભારતીય ડ્રેસિંગ રૂમમાં આપી હાજરી
ક્રિકેટનો મહાકુંભ એટલે કે T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો વિજયરથ ચાલું છે. સુપર 8ના મુકાબલામાં ભારતની બાંગ્લાદેશ સામે જીત થઇ હતી. આ બાદ વિવ રિચર્ડ્સ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં આવ્યા હતા. વિવ રિચર્ડ્સ આવતાની સાથે જ પ્રથમ વિરાટ કોહલીને મળ્યા હતા. આ પછી તેમણે રાહુલ દ્રવિડ સાથે હાથ મિલાવ્યો. જ્યારે આ બંને વચ્ચેની વાતચિત સમાપ્ત થઇ, ત્યારે વિવ રિચર્ડ્સે સૂર્યકુમાર યાદવને સન્માનિત કરવાનું એક મહાન કાર્ય કર્યું. હકીકતમાં તેમને ભારતીય ડ્રેસિંગ રૂમમાં ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
વિવ રિચર્ડસને ભારતીય ડ્રેસિંગ રૂમમાં બોલાવાયા
ટીમ ઈન્ડિયાએ દરેક મેચ પછી શ્રેષ્ઠ ફિલ્ડરને મેડલ આપવાની પરંપરા શરૂ કરી છે. આ પરંપરાના ભાગરૂપે, વિવ રિચર્ડ્સને વિજેતા ખેલાડીને મેડલ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ સામેની મેચમાં શ્રેષ્ઠ ફિલ્ડર મેડલ માટે ઘણા દાવેદાર હતા, જેમાં સૂર્યકુમાર યાદવ સિવાય અક્ષર પટેલ અને રોહિત શર્માનું નામ પણ હતું. પરંતુ, અંતે સૂર્યકુમાર યાદવને વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
વિવ રિચર્ડ્સે સૂર્યકુમાર યાદવને મેડલ આપ્યો
ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે બાંગ્લાદેશ સામેની મેચ બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં ફિલ્ડર ઓફ ધ મેચના વિજેતાની જાહેરાત કરી હતી. વિજેતા પસંદ થયા પછી, સૂર્યકુમાર યાદવ વિવ રિચાર્ડ્સને ગળે લગાવે છે અને પછી મેડલ પહેરાવે છે. ભારતીય ડ્રેસિંગ રૂમમાં વિવ રિચર્ડ્સે માત્ર સૂર્યકુમાર યાદવનું સન્માન જ નહીં કર્યું પરંતુ રિષભ પંતને નવું નામ પણ આપ્યું. તેમણે પંતને પોકેટ રોકેટ કહ્યો હતો.