- T20 વર્લ્ડકપ 2024માં ઐતિહાસિક અપસેટ સર્જાયો
- સુપર-8માં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું
- આ જીત બાદ અફઘાન ટીમે બસમાં ઉજવણી કરી
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટે 23 જૂનનો દિવસ તેમના ક્રિકેટ ઈતિહાસનો સૌથી યાદગાર દિવસ બની ગયો છે. T20 વર્લ્ડકપ 2024ના સુપર 8 રાઉન્ડમાં અફઘાન ટીમે ઓસ્ટ્રેલિયા સામેની મેચ 21 રને જીતી લીધી હતી. કોઈને પણ આ પરિણામની અપેક્ષા નહોતી પરંતુ અફઘાનિસ્તાનની ટીમે ફરી એકવાર પોતાની રમતથી બધાને ખોટા સાબિત કર્યા અને દિલ પણ જીતી લીધા હતી.
આ મેચ બાદ અફઘાન ટીમની ખુશી મેદાન પર જોવા મળી હતી, જ્યારે સ્ટેડિયમથી હોટલ પરત ફરતી વખતે ટીમે બસમાં જ ઉજવણી પણ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બ્રાવોએ ટીમ સાથે ડાન્સ કર્યો
T20 વર્લ્ડકપ 2024 માટે, અફઘાનિસ્તાન ટીમે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને તેની ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ મેચ દરમિયાન બ્રાવો પણ ઘણો એક્ટિવ જોવા મળ્યો હતો જેમાં તે બાઉન્ડ્રી લાઇન પાસે ઊભો હતો અને અફઘાન ટીમના બોલરોને સતત સલાહ આપી રહ્યો હતો. આ મેચ જીત્યા બાદ તેની ખુશી મેદાનની અંદર પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ પછી, જ્યારે ટીમ બસ દ્વારા હોટેલ પરત ફરી રહી હતી, ત્યારે તે બ્રાવોના હિટ ગીત ચેમ્પિયન-ચેમ્પિયન પર અફઘાન ટીમ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ સમગ્ર સેલિબ્રેશનનો વીડિયો અફઘાનિસ્તાન ટીમના સ્ટાર ખેલાડી મોહમ્મદ નબીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
એક ટીમ અને દેશ તરીકે અમારા માટે મોટી જીત
આ ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહેલા રાશિદ ખાને આ મેચમાં જીત બાદ કહ્યું કે એક ટીમ અને એક દેશ તરીકે આ અમારા માટે મોટી જીત છે. આ એક અદ્ભુત અહેસાસ છે જે અમે છેલ્લા બે વર્ષથી ગુમાવી રહ્યા હતા. હું આ જીતથી ખરેખર ખુશ છું અને મારા ખેલાડીઓ પર ગર્વ અનુભવું છું. આ વિકેટ પર 148 રનનો સ્કોર સારો હતો પરંતુ અમે બેટિંગમાં જે સારું પ્રદર્શન કરવું જોઈતું હતું તે કરી શક્યા નહીં. અમારા ઓપનિંગ બેટ્સમેનોએ અમને ખૂબ જ સારી શરૂઆત અપાવી હતી. આ પછી પણ અમે પોતાની જાત પર વિશ્વાસ કરતા રહ્યા. અમે ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. આ અમારા અને અમારા દેશ માટે ગર્વની ક્ષણ છે. અમારા ક્રિકેટ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. અમે આખરે ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહ્યા. ક્રિકેટમાં અમારો ઈતિહાસ સમૃદ્ધ નથી તેથી આ જીત અમારા માટે ઘણી મોટી છે.