- T20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવ્યું
- મોહમ્મદ નબી 400 T20 મેચ રમનાર પ્રથમ અફઘાન ખેલાડી
- નબીએ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને પાછળ છોડ્યા
આજે T20 વર્લ્ડકપમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવીને ઈતિહાસ રચ્યો છે. અફઘાનિસ્તાને વિશ્વ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવી છે. આ મેચમાં અફઘાનિસ્તાન ટીમના સૌથી સિનિયર ખેલાડી મોહમ્મદ નબીના નામે એક ખાસ સિદ્ધિ નોંધાઈ છે. મોહમ્મદ નબી હવે આવું કરનાર અફઘાનિસ્તાનનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
400 T20 મેચ રમનાર પ્રથમ અફઘાન ખેલાડી
અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાની સુપર-8 મેચમાં રમવા આવી કે તરત જ મોહમ્મદ નબીના નામે એક ખાસ સિદ્ધિ નોંધાઈ ગઈ હતી. નબી હવે અફઘાનિસ્તાન માટે 400 T20 મેચ રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ મામલે નબીએ ટીમ ઈન્ડિયાના બે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 396 T20 મેચ રમી છે. જ્યારે એમએસ ધોનીએ પોતાની કારકિર્દીમાં 391 T20 મેચ રમી હતી.
અફઘાનિસ્તાનની જીતના હીરો
આ મેચમાં અફઘાનિસ્તાને કાંગારૂ ટીમને જીતવા માટે 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે પહેલા ઓસ્ટ્રેલિયા માટે ખૂબ જ સરળ માનવામાં આવતું હતું પરંતુ કોને ખબર હતી કે અફઘાનિસ્તાનની ખતરનાક બોલિંગ લાઇન-અપ સામે કાંગારૂ ટીમ શરણાગતિ સ્વીકારશે. કાંગારૂ ટીમ અફઘાનિસ્તાનના બોલરો સામે 19.2 ઓવરમાં 127 રનમાં સમેટાઈ ગઈ હતી.
અફઘાનિસ્તાનની જીતમાં ગુલબદીન, નવીન-ઉલ-હક, ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝદરાને મહત્વની ભૂમિકા ભજવી છે. પ્રથમ બેટિંગ કરતા ગુરબાઝ અને ઈબ્રાહિમે ફિફ્ટી ફટકારી ટીમને 148 રન સુધી પહોંચાડી હતી. ગુરબાઝે 60 રનની ઇનિંગ રમી હતી અને ઇબ્રાહિમે 51 રનની ઇનિંગ રમી હતી. આ પછી ગુલબદ્દીન અને નવીન ઉલ હકે બોલિંગમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ઘુંટણીએ લાવી દીધા હતા. આ મેચમાં ગુલબદીને 4 અને નવીને 3 વિકેટ ઝડપી હતી.