- આજે ભારતની ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ
- ભારત કેનેડા સામે રમશે આખરી મેચ
- આ ખેલાડીઓને ભારત આપી શકે છે આરામ
T20 વર્લ્ડકપ 2024માં ભારત આજે રાત્રે 8 વાગ્યે કેનેડા સામે ટકરાશે. ભારતે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ અણનમ રહીને સુપર-8માં પ્રવેશી છે. ટીમે આયર્લેન્ડ, પાકિસ્તાન અને યુએસએને હરાવ્યું છે.
કેનેડા સામે ભારતની આખરી મેચ
ભારત આજે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ કેનેડા સામે રમશે. જ્યાં તે દરેક પરિસ્થિતિમાં વિજય નોંધાવીને પોતાની ગતિ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. જ્યારે કેનેડાની વાત કરીએ તો કેનેડાની ટીમ ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ છે. કેનેડા 3 મેચમાંથી માત્ર એક જ જીત્યું છે. ભારત અને કેનેડા વચ્ચે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમનો દબદબો છે. કેનેડા સામે ભારતીય ટીમ તેના બે અનુભવી ખેલાડીઓને આરામ આપી શકે છે અને બેન્ચના ખેલાડીઓને તક આપી શકે છે.
યશસ્વી જયસ્વાલ અને કુલદીપ યાદવને મળી શકે છે તક
ભારતીય ટીમ સુપર-8માં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં તે પોતાની બેન્ચ સ્ટ્રેન્થ પણ અજમાવવા માંગે છે. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતીય ટીમ કેનેડા સામે તેના મજબૂત ખેલાડીઓને આરામ આપી શકે અને કેટલાક નવા ખેલાડીઓને અજમાવી શકે. એવું માનવામાં આવે છે કે ભારતીય ટીમ કેનેડા સામે યશસ્વી જયસ્વાલ અને કુલદીપ યાદવને તક આપી શકે છે. સાથે જ આ મેચમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.
હાર્દિક-બુમરાહને આરામ અપાશે
હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ આ બંને ખેલાડીઓને સુપર-8 પહેલા આરામની તક આપી શકે છે. જેથી તે સુપર-8માં ફ્રેશ દેખાય. હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડકપ 2024માં 3 મેચ રમી છે અને કુલ 7 વિકેટ લીધી છે. જ્યારે જસપ્રીત બુમરાહે 3 મેચમાં 5 વિકેટ લીધી છે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.
કેનેડા: સાદ બિન ઝફર (કેપ્ટન), એરોન જોન્સન, નવનીત ધાલીવાલ, પરગટ સિંહ, શ્રેયસ મોવવા (વિકેટકીપર), નિકોલસ કિર્ટન, રવિન્દરપાલ સિંહ, ડિલન હેલિગર, કલીમ સના, જુનેદ સિદ્દીકી અને જેરેમી ગોર્ડન.