- ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે શુભમન ગિલનો બચાવ કર્યો
- આક્રમક ક્રિકેટ રમવામાં અને ઇન્ટેન્ટમાં તફાવત સમજવાની જરૂર
- શુભમન ગિલને ભવિષ્યના સ્ટાર તરીકે જોવામાં આવી રહ્યો છે
ખરાબ ફોર્મ સાથે ઝઝૂમી રહેલો શુભમન ગિલ બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બનશે? આ સવાલનો જવાબ ચાહકોને મળી ગયો છે. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે શુભમન ગિલનો બચાવ કર્યો છે અને બીજી ટેસ્ટમાં તેના રમવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિક્રમ રાઠોડનું કહેવું છે કે ટીમ મેનેજમેન્ટ શુભમન ગિલનું સંપૂર્ણ સમર્થન કરી રહ્યું છે. આ સાથે વિક્રમ રાઠોડ શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓના વધુ સારા પ્રદર્શનને લઈને આશાવાદી છે.
ગિલના પ્લેઇંગ 11માં રહેવા અંગે પ્રશ્નો ઉઠ્યા
શુભમન ગિલના પ્લેઇંગ 11માં રહેવા અંગે સૌથી વધુ પ્રશ્નો ઉઠ્યા છે કારણ કે સ્ટાર બેટ્સમેન છેલ્લી 9 ટેસ્ટ ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. શુભમન ગિલ માટે, ત્રીજા નંબર પર શિફ્ટ થયા બાદ સમસ્યા સતત વધી રહી છે. વિક્રમ રાઠોડે કહ્યું, “શુભમન ગિલ યુવા ખેલાડી છે. યુવા ખેલાડીઓના વધુ સારા પ્રદર્શન માટે અમારે તેમનામાં વિશ્વાસ જાળવી રાખવાની જરૂર છે. ગિલ ઉપરાંત ઐયર અને જયસ્વાલને પણ ટેસ્ટ રમવાનો બહુ અનુભવ નથી. આપણે ખૂબ સંયમથી કામ લેવાની જરૂર છે. અમને વિશ્વાસ છે કે ગિલ ચોક્કસપણે અપેક્ષાઓ પર ખરા ઉતરશે અને ટીમ માટે રન બનાવશે.
ગિલ માટે મુશ્કેલીઓ વધી
વિક્રમ રાઠોડે પણ રમતના અભિગમ વિશે વાત કરી છે. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે કહ્યું કે, આક્રમક ક્રિકેટ રમવામાં અને ઇન્ટેન્ટમાં તફાવત સમજવાની જરૂર છે. જ્યારે પણ તમને રન બનાવવાની તક મળે તો તમારે તેને જવા ન દેવી જોઈએ. પરંતુ વ્યક્તિએ પરિસ્થિતિ અનુસાર રમત બદલવામાં પણ સક્ષમ હોવું જોઈએ.
ભવિષ્યનો સ્ટાર છે ગિલ
તમને જણાવી દઈએ કે શુભમન ગિલને ભવિષ્યના સ્ટાર તરીકે જોવામાં આવી રહ્યો છે. પરંતુ અત્યાર સુધી 21 ટેસ્ટ રમ્યા બાદ શુભમન ગીલે માત્ર 31ની એવરેજથી રન બનાવ્યા છે. જો ગિલ બીજી ટેસ્ટમાં પણ રન બનાવવામાં સફળ નહીં થાય તો તેને ટીમમાંથી બહાર કરી શકાય છે. કોહલી અને રાહુલની વાપસી બાદ ગિલ માટે પોતાનું સ્થાન જાળવી રાખવું મુશ્કેલ બનશે.