• ભારતે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ પાંચ વિકેટે જીતી
  • ભારતે ઘરઆંગણે સતત 17મી ટેસ્ટ સીરિઝ જીતી
  • આ આઠમી વખત છે જ્યારે ભારત 0-1થી પાછળ રહીને સીરિઝ જીત્યું

ભારતે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને રાંચીના મેદાન પર 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે ચોથા દિવસે હાંસલ કરી લીધો હતો. રોહિત બ્રિગેડ એક સમયે મુશ્કેલીમાં હતી પરંતુ શુભમન ગિલ (અણનમ 52) અને ધ્રુવ જુરેલ (અણનમ 39)એ 72 રનની અતૂટ ભાગીદારી કરીને અંગ્રેજોની આશા પર પાણી ફેરવ્યું હતું. ભારતે પાંચ મેચની સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ સાથે ભારતે ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે.

સતત 17મી ટેસ્ટ સીરિઝ જીતી

ભારતે ઘરઆંગણે સતત 17મી ટેસ્ટ સીરિઝ જીતી છે. ભારત છેલ્લે 2012/13માં ઘરઆંગણે સીરિઝ હારી ગયું હતું, જ્યારે ઈંગ્લેન્ડ 2-1થી જીત્યું હતું. ભારત પછી, ઓસ્ટ્રેલિયાએ 1994થી 2001 સુધી સતત 10 ટેસ્ટ જીતીને ઘરઆંગણે સૌથી વધુ સતત સીરિઝ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 2004 અને 2008 દરમિયાન ફરી એકવાર આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. તમને જણાવી દઈએ કે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ભારતને 28 રનથી હરાવ્યું હતું. આ આઠમી વખત છે જ્યારે ભારત 0-1થી પાછળ રહીને સીરિઝ જીત્યું છે.

ભારતે 0-1થી પાછળ રહીને સીરિઝ જીતી હતી

  • 2-1(5) vs ઇંગ્લેન્ડ 1972/73
  • 2-1(3) vs ઓસ્ટ્રેલિયા 2000/01
  • 2-1(3) vs SL 2015
  • 2-1(4) vs ઓસ્ટ્રેલિયા 2016/17
  • 2-1(4) vs ઓસ્ટ્રેલિયા 2020/21
  • 3-1(4) vs ઈંગ્લેન્ડ 2020/21
  • 3-1(4*) vs ઈંગ્લેન્ડ 2023/24

2013 પછી પ્રથમ વખત ભારતમાં 150 પ્લસ લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો છે. છેલ્લી વખત માર્ચ 2013માં ઓસ્ટ્રેલિયા સામે આવું બન્યું હતું. ત્યાર બાદ ભારતે દિલ્હીમાં છ વિકેટે જીતનો ધ્વજ લહેરાવ્યો હતો. ભારતીય ટીમે હોમ ગ્રાઉન્ડ પર 200થી ઓછા રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ક્યારેય હારનો સામનો કરવો પડ્યો નથી. આવા 33 પ્રસંગો હતા જેમાં ભારત 30 વખત જીત્યું હતું અને 3 મેચ ડ્રોમાં સમાપ્ત થયું હતું. આ સાથે જ રોહિતે ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાના મામલે રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે. રોહિત 9 ટેસ્ટ જીત સાથે સંયુક્ત રીતે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. છઠ્ઠા નંબર પર દ્રવિડ (8) છે.

ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ જીતી

  • 40-વિરાટ કોહલી
  • 27 - એમએસ ધોની
  • 21 - સૌરવ ગાંગુલી
  • 14- મોહમ્મદ અઝહરુદ્દીન
  • 9 - રોહિત શર્મા*
  • 9 - સુનીલ ગાવસ્કર
  • 9 - એમએકે પટૌડી
  • 8- રાહુલ દ્રવિડ
  • Follow us on: