- ભારતે રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને સીરિઝ કબજે કરી
- ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી
- રાંચી ટેસ્ટમાં ધ્રુવ જુરેલ 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરાયો
ભારતીય ટીમે રાંચી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને સીરિઝ કબજે કરી લીધી છે. હવે ટીમ ઈન્ડિયાએ 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ધ્રુવ જુરેલ રાંચી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો 'હીરો' રહ્યો છે. ધ્રુવ જુરેલે રાંચી ટેસ્ટ મેચની પ્રથમ અને બીજી ઈનિંગમાં મહત્વની ઈનિંગ્સ રમી હતી. પ્રથમ દાવમાં ધ્રુવ જુરેલે રમેલી 90 રનની ઇનિંગ ઘણી ખાસ હતી. જેના આધારે ટીમ ઈન્ડિયાએ મેચમાં શાનદાર વાપસી કરી હતી. આ પછી, ધ્રુવ જુરેલે ચોથા દિવસે બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા જીત તરફ દોરી ગઈ હતી.
ધ્રુવ જુરેલની શાનદાર ઈનિંગ
પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ થોડી ખોરવાઈ હતી. એક પછી એક વિકેટો પડતાં ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં થોડી મુશ્કેલીમાં જોવા મળી રહી હતી. જે બાદ ધ્રુવ જુરેલે ન માત્ર ભારતીય ઇનિંગ્સને સંભાળી પરંતુ 90 રનની મહત્વપૂર્ણ ઇનિંગ પણ રમી હતી.
જો કે ધ્રુવ તેની સદી ચૂકી ગયો હતો પરંતુ 90 રનની આ ઇનિંગે ટીમ ઈન્ડિયાને રાંચી ટેસ્ટમાં વાપસી કરાવી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 300 રનને પાર કરવામાં સફળ રહી હતી. આ પછી બીજી ઈનિંગમાં પણ ટીમ ઈન્ડિયાને ખૂબ જ ઝડપથી 3 ઝટકા લાગ્યા હતો. આ પછી ધ્રુવ જુરેલે શુભમન ગિલ સાથે મળીને ઈનિંગ્સને સંભાળી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધ્રુવના આ શાનદાર પ્રદર્શનને કારણે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.
ધ્રુવ રિષભ પંત અને ઈશાન કિશન માટે ખતરો
કાર અકસ્માત બાદ રિષભ પંત ટીમ ઈન્ડિયાની બહાર છે, ત્યાર બાદ ટીમ ઈન્ડિયા એક સારા વિકેટકીપર બેટ્સમેનની શોધમાં હતી. જો કે હવે રિષભ પંત પણ વાપસી કરવા માટે તૈયાર છે, પરંતુ તેની વાપસી બાદ તેનું ફોર્મ કેવું રહેશે તે જોવાનું રસપ્રદ રહેશે. આ સિવાય જો ઈશાન કિશનની વાત કરીએ તો તે સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝમાંથી આરામ લીધા બાદ ટીમ ઈન્ડિયાની બહાર છે અને આ દરમિયાન તેણે રણજી ટ્રોફી 2024માં કોઈ મેચ રમી નથી.
પરંતુ આ દરમિયાન, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં, ધ્રુવ જુરેલને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળી અને ડેબ્યૂ મેચ પછી જ ધ્રુવનો દબદબો રહ્યો હતો. બેટિંગની સાથે ધ્રુવ વિકેટકીપિંગમાં પણ કમાલ કરી રહ્યો છે. જે બાદ હવે ટીમ ઈન્ડિયામાં તેને જાળવી રાખશે તે નિશ્ચિત છે.