- અશ્વિન પરિવારની મેડિકલ ઈમરજન્સીના કારણે ટીમથી બહાર હતા
- હવે આજની મેચમાં ફરીથી સામેલ થશે રવિચંદ્રન અશ્વિન
- 24 કલાકમાં જ ટીમમાં પરત ફર્યો અશ્વિન
ભારતીય ક્રિકેટ ટીમ રવિચંદ્રન અશ્વિનના અચાનક રાજકોટ ટેસ્ટ મેચમાંથી બહાર નીકળી જવાના કારણે પરેશાન હતી. પરંતુ હાલમાં સામે આવી રહેલી માહિતિ અનુસાર અશ્વિન પરિવારની મેડિકલ ઈમરજન્સીના કારણે મેચ અડધી છોડીને ચેન્નઈ ગયા હતા. હવે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર આવ્યા છે. અશ્વિન ફરીથી ટીમ ઈન્ડિયાની સાથે જોડાઈ ગયા છે. આ વાતની જાણકારી બીસીસીઆઈએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આપી છે.
ટૂંકી ગેરહાજરી બાદ પરત ફર્યો અશ્વિન
બીસીસીઆઈએ કહ્યું છે કે, 'બીસીસીઆઈ ખુશ છે કે આર અશ્વિન પારિવારિક ઈમરજન્સીના કારણે ટૂંકી ગેરહાજરી બાદ પરત ફરી રહ્યો છે. કૌટુંબિક કટોકટીના કારણે રાજકોટમાં ત્રીજી ટેસ્ટના બીજા દિવસ બાદ અશ્વિનને અસ્થાયી રૂપે ટીમમાંથી ખસી જવું પડ્યું હતું. આર અશ્વિન અને ટીમ મેનેજમેન્ટ બંને એ વાતની પુષ્ટિ કરતા ખુશ છે કે તે ચોથા દિવસે ફરી એક્શનમાં આવશે અને ચાલુ ટેસ્ટ મેચમાં ટીમમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. બીસીસીઆઈએ આગળ લખ્યું, 'ટીમ મેનેજમેન્ટ, ખેલાડીઓ, મીડિયા અને પ્રશંસકોએ પરિવારના મહત્વને પ્રાથમિકતા તરીકે સ્વીકારીને ઘણી સમજણ અને સહાનુભૂતિ દર્શાવી છે. ટીમ અને ચાહકો આ પડકારજનક સમયમાં અશ્વિનના સમર્થનમાં એકસાથે ઉભા છે અને મેનેજમેન્ટ તેને મેદાન પર પાછા આવકારવા માટે ખુશ છે.
અશ્વિને રાજકોટ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો હતો
તમને જણાવી દઈએ કે રાજકોટ ટેસ્ટના બીજા દિવસે (16 ફેબ્રુઆરી) અશ્વિને એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે જેક ક્રાઉલીને પોતાનો 500મો શિકાર બનાવ્યો. આ રીતે અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેનારો બીજો ભારતીય બન્યો. અશ્વિનથી આગળ માત્ર ભૂતપૂર્વ સ્પિન દિગ્ગજ અનિલ કુંબલે છે, જેણે 619 વિકેટ લીધી હતી.
સૌથી વધુ ટેસ્ટ વિકેટ
મુથૈયા મુરલીધરન (શ્રીલંકા 1992-2010): 133 ટેસ્ટ - 800 વિકેટ
શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા 1992-2007): 145 ટેસ્ટ - 708 વિકેટ
જેમ્સ એન્ડરસન (ઈંગ્લેન્ડ 2003-2023): 185* ટેસ્ટ - 696* વિકેટ
અનિલ કુંબલે (ભારત 1990-2008): 132 ટેસ્ટ - 619 વિકેટ
સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ 2007-2023): 167 ટેસ્ટ - 604 વિકેટ
ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા 1993-2007): 124 ટેસ્ટ - 563 વિકેટ
કર્ટની વોલ્શ (વેસ્ટ ઈન્ડિઝ 1984-2001): 132 ટેસ્ટ - 519 વિકેટ
નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા 2011-2023): 127* ટેસ્ટ - 517* વિકેટ
રવિચંદ્રન અશ્વિન (ભારત 2011-2023): 98* ટેસ્ટ - 500* વિકેટ