• વિશાખાપટ્ટનમના સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સાથે સિરીઝની બીજી ટેસ્ટ મેચ રમાશે
  • બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર
  • બીજી ટેસ્ટ મેચ પહેલા રજત પાટીદારે BCCI સાથે ખાસ વાતચીત કરી

ભારતીય ટીમ વિશાખાપટ્ટનમના વાયઝેગ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સાથે સિરીઝની બીજી ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા આ માટે વિશાખાપટ્ટનમમાં જોરશોરથી તૈયારી કરી રહી છે. આ મેચ પહેલા કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાના રૂપમાં ટીમને બે મોટા આંચકા લાગ્યા છે. કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારબાદ આ બંને ખેલાડી બીજી ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં.

બીજી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરાશે

બીજી તરફ વિરાટ કોહલી સીરીઝની બે ટેસ્ટ મેચમાંથી પહેલેથી જ બહાર છે. હવે બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે. બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના બે ખેલાડી રજત પાટીદાર અને સરફરાઝ ખાન ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. હવે જોવાનું એ રહે છે કે આ બે ખેલાડીઓમાંથી કોને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

રજત પાટીદારે મેચ પહેલા કહી મોટી વાત

બીજી ટેસ્ટ મેચ પહેલા રજત પાટીદારે BCCI સાથે ખાસ વાતચીત કરી હતી. જેનો વીડિયો BCCIએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. રજત પાટીદારે કહ્યું કે મેં રોહિત ભાઈ સાથે વાત કરી, ત્યાર બાદ મારો આત્મવિશ્વાસ વધી ગયો છે. મેં જોયું કે રોહિત ભાઈ કેવી રીતે ફિલ્ડ પોઝિશન સંભાળે છે. ઈજા બાદ વાપસી કરવી અને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવું મારા માટે શાનદાર ક્ષણ છે. વિરાટ કોહલી માટે આગળ બોલતા રજતે કહ્યું કે મેં હંમેશા વિરાટ કોહલીને રમતા જોયો છે. તેનું ફૂટવર્ક અને બોડી મૂવમેન્ટ અદ્ભુત છે. હું હંમેશા તેની જેમ બેટિંગ કરવાનો પ્રયાસ કરું છું.


રજત પાટીદારનું ફોર્મ

રજત પાટીદારનું હાલનું ફોર્મ એકદમ શાનદાર રહ્યું છે. તેણે ઈંગ્લેન્ડ લાયન્સ સામે સતત બે સદી ફટકારી હતી. આ દરમિયાન રજત પાટીદારની ઇંગ્લેન્ડ સાથેની બીજી મેચ માટે ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. હવે ચાહકોને આશા છે કે રજત પાટીદાર બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે.

  • Follow us on: